વીંછિયા તાલુકાના મોઢુકા ગામે સીમ શાળા નજીક આવેલ PGVCLના ચાલુ વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરવા શખ્સ તેની ઉપર ચડ્યો હતો અને જોરદાર કરંટ લાગતાં તે નીચે પટકાયો હતો અને શરીરે ગંભીર ઇજા થઇ હતી. ઘટનાની ગ્રામજનોને જાણ થતા વીંછિયા PGVCLને જાણ કરવામાં આવી હતી. જેથી ટીમ અને વીંછિયા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત શખ્સને 108ની મદદથી વીંછિયા સરકારી હોસ્પિટલે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. તો આ બનાવ બન્યા બાદ પકડાઇ જવાની બીકે બે શખ્સ છકડો લઇને પોબારા ભણી ગયા હતા.
બોટાદ જિલ્લાના કાનીયાડનો વિકુ ગુલાબભાઈ શેખલીયા અને અન્ય બે શખ્સ છકડો રીક્ષા લઈને ટીસીની ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા. વિકુ ટીસીમાં ઉપર ચડ્યો હતો, ચાલુ પાવરે ડીયો કાપવા જતા વિકુને વીજશોક લાગ્યો અને નીચે પટકાતા બુમાબુમ થઇ પડી હતી અને તે જોઇ બે શખ્સ છકડો લઈને નાસી ગયા હતા. બાદમાં ચોરની રાડોરાડથી લોકો એકઠા થયા હતા.