રાજકોટ જિલ્લાના મેટોડામાં રહેતા યુવકે વાગુદળ ગામે વીડિયો બનાવી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધાના મામલે લોધિકા પોલીસે હનીટ્રેપમાં ફસાવી મરવા મજબૂર કરનાર જીઆરડી અને યુવતી સામે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મેટોડા રહેતા માવજીભાઇ નથુભાઇ ખાંભુ અે ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે રાજકોટમાં રૈયાધારમાં રહેતો જીઆરડી રાહુલ બગડા અને મેટોડા રહેતી કીર્તિ ઉર્ફે કિરૂડી દાનાભાઇ પરમારના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.9ના રોજ તેનો પુત્ર અજય (ઉ.23)એ સવારે ટિફિન લઇ કામે જવાનું કહી ઘેરથી નીકળ્યા બાદ વાગુદળ ગામે નદીમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. જે બનાવમાં તેના પુત્રએ એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેને હું મરી જાવ છું મારા મરવાનું કારણ કિરૂડી અને રાહુલિયો બે જ છે. તેમજ તેના મોબાઇલમાં એક અન્ય વીડિયો હતો જેમાં અજય બોલતો હોય કે કેટલાક પૈસા દઉં મમ્મી તમને, અને આ લોકોને પૈસા નહીં દઉં તો મને દબાવ્યા જ રાખશે ઇ અને રાહુલિયો દર વખતે પગારના પૈસા પડાવી લેતા હતા. જેથી હું તમને પૈસા પડી ગયાનું ખોટું કહેતો હતો. હું પૈસા નહીં આપું કે તે કહે તેમ નહીં કરું તો મને સીધો દબાવતા હતા. જેથી હવે મારે મરી જવું પડશે.