ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી માર્ચમાં લેવાનારી ધો.10 અને 12ની પરીક્ષાને લઇને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં દરેક પરીક્ષા સેન્ટરને પરીક્ષા શરૂ થવાના અને પૂરી થવાના 15 મિનિટ સુધીનું રેકોર્ડિંગ કરવા સૂચના આપવામાં આવી છે. રાજકોટ શહેરને ઝોન પ્રમાણે અને તાલુકા, ગ્રામ્ય કક્ષાએ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા જે બિલ્ડિંગમાં લેવાની થશે તેના બ્લોકમાં સીસીટીવીની વ્યવસ્થા હોવી જરૂરી છે. આથી બ્લોકમાં સીસીટીવી ઉપલબ્ધ હોવાની ચકાસણી કરતા પત્રક શાળા સંચાલકો-આચાર્યો પાસે ભરાવવાનું કામ પૂર્ણ થયું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા 11મી માર્ચથી શરૂ થઈ રહી છે. ત્યારે જે સ્કૂલોમાં પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા છે તેને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. દરેક કેન્દ્રો પર CCTV લગાવવાના રહેશે. આ કેમેરા ચાલુ છે કે નહીં તેની ચકાસણી પરીક્ષા પહેલા કરવાની રહેશે.
CCTV એવી રીતે ગોઠવવા કે સમગ્ર બ્લોકને આવરી લેવામાં આવે. આ કેમેરામાં પરીક્ષા શરૂ થાય તેના 15 મિનિટ પહેલા અને પરીક્ષા પૂરી થયાના 15 મિનિટ પછીનું રેકોર્ડિંગ કરવાનું રહેશે.
પરીક્ષા દરમિયાન દરેક ક્લાસરૂમનું રેકોર્ડિંગ કરવાનું હોય છે તે પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે. આ ઉપરાંત રેકોર્ડિંગની એક કોપી બોર્ડ માટે અલગ રાખવાની રહેશે અને તેમાં બોર્ડ કોપી એવો ઉલ્લેખ કરવાનો રહેશે. આગામી ટૂંક સમયમાં ડીઈઓ કચેરી દ્વારા વિદ્યાર્થીઓને-વાલીઓને મૂંઝવતા સવાલોના નિરાકરણ માટે તેમજ જરૂરી માહિતી-માર્ગદર્શન આપવા માટે હેલ્પલાઈન નંબર સહિતની વ્યવસ્થા ઊભી કરાશે.