રેડ સી સંકટને કારણે આગામી કેટલાક ક્વાર્ટર દરમિયાન કન્ટેનરના ઊંચા દરો તેમજ શિપિંગના સમયમાં વિલંબને કારણે ઓટો કોમ્પોનન્ટ ઇન્ડસ્ટ્રીના માર્જિન પર અસર થઇ શકે છે તેવી શક્યતા ક્રેડિટ રેટિંગ એજન્સી ઇકરા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જે ચાલુ નાણાકીય વર્ષ માટે ઇન્ડસ્ટ્રી માટેના ગ્રોથમાં સામાન્ય સુધારો દર્શાવે છે.
રેટિંગ એજન્સી અનુસાર ઓટો કોમ્પોનન્ટની નિકાસમાંથી બે તૃતીયાંશ નિકાસ ઉત્તર અમેરિકા અને યુરોપમાં થાય છે અને આ દેશોમાંથી એક તૃતીયાંશ આયાત થાય છે. ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન રેડ સીમાં સર્જાયેલા સંકટને કારણે કેલેન્ડર વર્ષ 2023ની તુલનાએ તેના રૂટમાં વિક્ષેપ આવતા કન્ટેનરના દરોમાં 2-3 ગણો વધારો થયો છે, જ્યારે શિપિંગના સમયમાં પણ અંદાજે બે સપ્તાહનો વધારો થયો છે.
નાણાકીય વર્ષ 2025માં સારા ઓપરેટિંગ લેવરેજ, વાહનદીઠ વધુ સામગ્રી અને મૂલ્યવૃદ્ધિને કારણે ઑપરેટિંગ માર્જિનમાં વાર્ષિક સ્તરે 50 બેસિસ પોઇન્ટનો સુધારો થશે. જો કે તે કોમોડિટીની કિંમતો અને ફોરેક્સ રેટ્સને લઇને સંવેદનશીલ પણ રહેશે. ઇકરા અનુસાર ઇન્ડસ્ટ્રીની લિક્વિડિટી પોઝિશન પણ સારી રહેશે. જેનું કારણ ટિયર-1 કંપનીઓ દ્વારા રોકડનો પ્રવાહ અને કમાણી છે.