સોમવારે (22 જાન્યુઆરી) રાત્રે 11.39 વાગ્યે ચીન-કિર્ગિસ્તાન બોર્ડર પર 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દક્ષિણ શિનજિયાંગમાં ભૂકંપનું કેન્દ્ર જમીનથી 22 કિમી નીચે હતું. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર ભૂકંપમાં ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
ભૂકંપ બાદ 40 આફ્ટરશોક્સ પણ નોંધાયા છે. ભૂકંપની સૌથી વધુ અસર ઉરુમકી, કોર્લા, કાશગર, યિનિંગમાં અનુભવાઈ હતી. ચીનના શિનજિયાંગ રેલ્વે વિભાગનું કહેવું છે કે તેમને 27 ટ્રેનોનું સંચાલન અટકાવવું પડ્યું છે.
વિવિધ સ્થળોએ ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવકર્મીઓની ટીમો રવાના કરવામાં આવી છે. ચીનમાં આવેલા ભૂકંપની અસર ભારતમાં પણ જોવા મળી હતી. દિલ્હી-એનસીઆરમાં લાંબા સમય સુધી લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા. ગભરાયેલા લોકો ઘરની બહાર નીકળી ખુલ્લા વિસ્તારોમાં પહોંચી ગયા હતા.
આ પહેલા 11 જાન્યુઆરીએ અફઘાનિસ્તાનના હિંદુકુશ વિસ્તારમાં બપોરે 2.20 કલાકે જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેના કારણે પાકિસ્તાનના ઈસ્લામાબાદ, રાવલપિંડી અને જમ્મુ-કાશ્મીર, જયપુરથી લઈને ભારતમાં દિલ્હી-એનસીઆર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર હિન્દુકુશમાં જમીનથી લગભગ 220 કિલોમીટર નીચે હતું.