ગોંડલ શહેરના ભોજરાજપરા વિસ્તારમાં આવેલા ચંદ્ર મૌલેશ્વર શિવ મંદિરમાં આસોપાલવ સોસાયટીમાં રહેતા આધેડે પોતાના જ ગળા પર છરીનો ઘા મારી કમળપૂજાનો પ્રયાસ કરતાં લોહી લુહાણ હાલતમાં તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને દર્શનાર્થીઓ એકઠાં થઇ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં અાવી હતી અને આધેડને તાબડતોબ સારવાર માટે ગોંડલ સિવિલ લઇ જવામાં આવ્યા હતા અને તેમની હાલત અતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે આધેડએ આવું પગલું શા કારણે ભરી લીધું એ સહિતના કારણોની તપાસ ચાલી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરની આસોપાલવ સોસાયટીમાં રહેતા અને રોડ કોન્ટ્રાક્ટ કંપનીમાં નોકરી કરતા ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉંમર વર્ષ 47 નામના આધેડે કોઇ અગમ્ય કારણોસર ભોજરાજપરા વિસ્તારમાં આવેલા ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિરમાં આજે સવારે પોતાના જાતે જ ગળે છરીનો ઘા મારી કમળપૂજાનો પ્રયાસ કરતા તેઓ લોહીના ખાબોચિયામાં ઢળ પડ્યા હતા અને હાલત અતિ ગંભીર બની ગઇ હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને સારવાર માટે આધેડને પ્રથમ ગોંડલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસ મથકને થતા જમાદાર હિતેશભાઈ પરમાર સ્થળ પર દોડી ગયા હતા પરંતુ તે દરમિયાન આધેડને રાજકોટ લઈ જવાયા હોય તેમનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.