બ્રિટન માટે ગેરકાયદે પ્રવાસીઓનો મુદ્દો મોટી મુશ્કેલીનું કારણ બની ગયો છે. અહીં આ વર્ષે અત્યાર સુધી ઈંગ્લિશ ચેનલને પાર કરનારા 33 હજારથી વધુ ગેરકાયદે પ્રવાસીઓમાંથી 92% મુસ્લિમ દેશોમાંથી આવ્યા છે. લગભગ 7 કરોડની વસતી ધરાવતા બ્રિટનમાં ગેરકાયદે પ્રવાસીઓના કારણે વસતી અસંતુલન પણ વધી રહ્યું છે.
બ્રિટનના નવા નિમાયેલા ગૃહમંત્રી સુએલા બ્રેવરમેન આશંકા વ્યક્ત કરી હતી કે જો ગેરકાયદે પ્રવાસીઓની એન્ટ્રી પર કડક પ્રતિબંધ નહીં લગાવાય તો સામાજિક સૌહાર્દ પર આવનારા સમયમાં વિપરીત અસર થવાની આશંકા છે. સુએલાનો ઈશારો તાજેતરમાં બર્મિંઘમ, સ્મેડેક અને લેસ્ટરમાં થયેલાં હિન્દુ-મુસ્લિમ રમખાણો તરફ હતો. એક એનજીઓ વતી જાહેર રિપોર્ટ મુજબ બ્રિટનમાં ગત 5 વર્ષમાં કોમી રમખાણોની ઘટનાઓ 28% વધી ગઈ છે. રમખાણોમાં શ્વેત લોકો ખૂબ જ ઓછા જ સામેલ હતા. મોટા ભાગે મુસ્લિમ દેશોમાંથી આવનાર ગેરકાયદે પ્રવાસીઓની સંડોવણી હતી.