રાષ્ટ્રપતિની ચૂંટણીના અસફળ અભિયાન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં ભારતીય મૂળના વિવેક રામાસ્વામી પહેલાં કરતાં ઘણા વધુ અમીર છે. ફેડરલ ઇલેક્શન કમિશનમાં દાખલ કરાયેલી માહિતી મુજબ ચૂંટણી અભિયાન શરૂ કરતાં પહેલાં રામાસ્વામીની સંપત્તિ લગભગ 6.9 હજાર કરોડ રૂપિયા હતી. હવે તે વધીને લગભગ 7.9 હજાર કરોડ થઈ ગઈ છે.
દવા બનાવતી કંપની રોઇવાન્ટ, જેને રામાસ્વામીએ 2014માં સ્થાપિત કરી હતી. ગયા અઠવાડિયે કંપનીનો શેર લગભગ 900 રૂપિયાના ભાવે ટ્રેડ થતો હતો. શેરની કિંમત ફેબ્રુઆરી, 2023ની સરખામણીએ 25% વધુ છે. રામાસ્વામી કંપનીમાં 6.4% ઈક્વિટી ભાગીદારી ધરાવે છે, જેની કિંમત લગભગ 4.6 હજાર કરોડ રૂપિયા છે. 2022માં રામાસ્વામીએ સ્ટ્રાઇવ એસેટ મેનેજમેન્ટ નામની ઇન્વેસ્ટમેન્ટ કંપની પણ બનાવી હતી.
ચૂંટણી અભિયાન શરૂ પહેલાં તેમણે કંપનીના કાર્યકારી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. પરંતુ તે હજુ પણ કંપનીના નિયંત્રક શેરહોલ્ડર છે, તેની ભાગીદારીનું મૂલ્ય 2022માં આશરે 1.3 હજાર કરોડ રૂપિયા હતું. રામાસ્વામીના અભિયાન દરમિયાન સંચાલન હેઠળ સ્ટ્રાઇવની સંપત્તિ બમણી થઈ છે. રિપબ્લિકન ડિબેટના માત્ર બે અઠવાડિયા પછી સ્ટ્રાઇવે રોકાણકારોની 8.3 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ હાંસલ કરી.આ ઉપરાંત રામાસ્વામી પાસે અંદાજીત બે હજાર કરોડ રૂપિયાની રોકડ અને અંગત સંપત્તિ પણ છે.