દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળી છે. આ વખતે ટાર્ગેટ ગૃહ અને નાણા મંત્રાલય હતું. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે નોર્થ બ્લોકમાં સ્થિત પોલીસ કંટ્રોલ રૂમને બોમ્બની ધમકી ધરાવતો મેઇલ મળ્યો છે.
દિલ્હી ફાયર સર્વિસને 3 વાગ્યે આ અંગેની માહિતી મળી હતી. આ પછી, બે ફાયર ગાડીઓ ઘટનાસ્થળ પર મોકલવામાં આવી હતી. દિલ્હી પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ પણ સક્રિય થઈ ગઈ હતી. જો કે તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. આ મહિનાની 1 મે પછી 22 દિવસમાં બોમ્બની ધમકીની આ પાંચમી ઘટના છે.
આ મહિનાની શરૂઆતમાં, દિલ્હી-એનસીઆરમાં 100થી વધુ શાળાઓને સમાન ધમકીભર્યા ઇ-મેઇલ મળ્યા હતા. 8 દિવસ પહેલા પણ દિલ્હીની 7 મોટી હોસ્પિટલો અને દેશની સૌથી સુરક્ષિત જેલને બોમ્બ બ્લાસ્ટના મેલ મોકલવામાં આવ્યા હતા. આ પહેલા પણ 10થી વધુ એરપોર્ટ પર આવી ધમકીઓ મળી ચુકી છે.
6 મેના રોજ અમદાવાદની 23 શાળાઓને બોમ્બની ધમકી મળી હતી. આ પછી સોમવારે સવારે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગભરાટ ફેલાયો હતો. ઈ-મેઇલ મળ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને પોલીસ અધિકારીઓની ટીમોએ શાળાઓમાં તપાસ કરી હતી.
12 મેના રોજ એટલે કે ગયા રવિવારે દેશના ઘણા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેઇલમાં લખવામાં આવ્યું હતું કે દિલ્હી, જયપુર, દિલ્હી, અમદાવાદ, ગુવાહાટી, જમ્મુ, લખનઉ, પટના, અગરતલા, ઔરંગાબાદ, બાગડોગરા, ભોપાલ અને કાલિકટ એરપોર્ટની ઈમારતોમાં બોમ્બ છુપાવવામાં આવ્યા છે.