વક્ફ સુધારા બિલ વિરુદ્ધ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં બે અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી બિહારના કિશનગંજથી કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ અને AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી દ્વારા દાખલ કરવામાં આવી છે.
2 અને 3 એપ્રિલના રોજ લોકસભા અને રાજ્યસભામાં 12 કલાકની ચર્ચા બાદ આ બિલ પસાર થયું હતું. હવે એને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. તેમની સંમતિ પછી એ કાયદો બનશે.
ગુરુવારે રાજ્યસભામાં બિલ પસાર થયા પછી કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું હતું કે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જશે. તામિલનાડુના ડીએમકેએ પણ અરજી દાખલ કરવાની વાત કરી હતી.
વડાપ્રધાન મોદીએ વક્ફ સુધારા બિલ પસાર થવાને એક મોટો સુધારો ગણાવ્યો. તેમણે શુક્રવારે સવારે X પર લખ્યું કે આ કાયદો પારદર્શિતા વધારશે અને ગરીબ-પસમાંદા મુસ્લિમોના અધિકારોનું રક્ષણ કરશે.
તેમણે કહ્યું હતું કે વક્ફ મિલકતોમાં વર્ષોથી અનિયમિતતાઓ ચાલી રહી હતી, જેનાથી ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ અને ગરીબોને નુકસાન થયું હતું. આ નવો કાયદો આ સમસ્યાનો ઉકેલ લાવશે.