પાકિસ્તાનમાં આખરે ગુરુવારના દિવસે મતદાન યોજાનાર છે. 24.15 કરોડની વસતી ધરાવતા પાકિસ્તાનના 12.8 કરોડ મતદારો નેશનલ એસેમ્બલીની 266 સીટો માટે મેદાનમાં ઉતરેલા 5121 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે તૈયાર છે. સાથે જ ચાર રાજ્યોની સ્ટેટ એસેમ્બલી માટે પણ મતદાન યોજાશે. સાંજે પરિણામ આવવાની શરૂઆત થઇ જશે.
પાકિસ્તાનમાં આ ચૂંટણી કોઇ પણ મુદ્દા વગર થઇ રહી છે. કારણ કે સૌથી મોટો મુદ્દો પાકિસ્તાન તહેરિકે ઇન્સાફ (પીટીઆઇ)ના પ્રમુખ ઇમરાન ખાન જ છે. છેલ્લી ચૂંટણીમાં આક્રમક રીતે વિજેતા થયેલા ઇમરાન ખાન વિપક્ષ, સુપ્રીમકોર્ટ અને સેના માટે માથાના દુખાવા સમાન સાબિત થયા. ચૂંટણીના એક દિવસ પહેલાં જ પીટીઆઇના કાર્યકરોને ઇમરાન ખાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) મારફતે સંબોધન કર્યું હતું.
ઇમરાન ખાનને ચાર ક્રિમિનલ કેસોમાં સજા થઇ છે. જે પૈકીના ત્રણ કેસોમાં તો ગયા સપ્તાહમાં જ સજા કરવામાં આવી હતી. ઇમરાનને ક્રમશ: 3 વર્ષ, 10 વર્ષ, 14 વર્ષ, 7 વર્ષની સજા કરવામાં આવી છે. ઇમરાનની સામે 150થી વધુ કોર્ટ કેસ ચાલી રહ્યા છે. દરમિયાન મતદાનથી 24 કલાક પહેલાં બે વિસ્ફોટ થતાં 24 લોકોનાં મોત થયાં છે.
3 મોટી પાર્ટીઓ, બે પરિવારો વચ્ચે ટક્કર
પાકિસ્તાનમાં 3 મોટી પાર્ટીઓ છે. શરીફ પરિવારની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલએન), ભુટ્ટો-ઝરદારી પરિવારની પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી)અને ઇમરાનની પીટીઆઇનો સમાવેશ થાય છે.
પીએમએલએન | પીએમની રેસમાં નવાઝ સૌથી આગળ દેખાઇ રહ્યા છે. રિપોર્ટ મુજબ પીએમએલએનને સ્પષ્ટ બહુમતિ મળશે તો નવાઝ પીએમ રહેશે.
પીપીપી | પાર્ટીની કમાન બિલાવલના હાથમાં છે. રિપોર્ટ એવા મળી રહ્યા છે કે પીએમ બનવા માટે બિલાવલની લોકપ્રિયતા પૂરતી નથી. જોકે તેઓ નવાઝ શરીફની સાથે સરકારમાં ગઠબંધન કરી શકે છે.
પીટીઆઇ | પીટીઆઇના ચૂંટણી પ્રતીકને પરત મેળવી લેવામાં આવ્યા બાદ તમામ ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં છે. ઇમરાનના ઉમેદવારોને જુદાં જુદાં 200 સિમ્બોલ ફાળવવામાં આવ્યાં છે.
ચૂંટણીમાં સેનાની દખલગીરી ચરમસીમાએ
પાકિસ્તાનમાં ચૂંટાયેલી સરકારને ઊથલાવવી સામાન્ય વાત છે પરંતુ આ વખતે ચૂંટણી પ્રક્રિયામાં સેનાની દખલગીરી વધી ગઈ છે. સેના નવાઝ શરીફને ચોથી વખત પીએમ બનાવવા માંગે છે પરંતુ એ જ નવાઝ સરકારના જનરલ પરવેઝ મુશર્રફે બળવો કર્યો હતો. સેના, રાષ્ટ્રપતિ અને કોર્ટની દખલગીરી એટલી બધી છે કે 1988 પછી પાકિસ્તાનમાં કોઈ ચૂંટાયેલા પીએમ પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.