ગુરુવારે રાત્રે નટરાજ સિનેમા પાસે સત્કાર સ્ટોર પર કેટલાક યુવકોએ સિગરેટના 2 પેકેટ લીધા હતા. યુવકોએ 120ની જગ્યાએ 100 જ રૂપિયા આપ્યા હતા. બાકીના 20 રૂપિયા બાબતે દુકાનદાર-યુવકો વચ્ચે ઝઘડો થતા યુવકે મોપેડમાંથી બંદુક કાઢી હતી, પણ તે પડી ગઇ હતી. દુકાનના સીસીટીવી તપાસતા યુવકોમાંથી એક નામચીન અને હત્યાના કેસના આરોપી ફારુક છાપરાનો પુત્ર હતો. પોલીસે 5 યુવકો સામે ફરિયાદ નોંધી હતી.
પ્રતાપગંજના ઈશાવાશ્યામ ફ્લેટમાં રહેતા સુભાષ અગ્રવાલ નટરાજ સીનેમા પાસે સત્કાર સ્ટોર ચલાવે છે. ગુરુવારે રાત્રે 10 વાગે એક યુવક દુકાને આવ્યો હતો અને સીગરેટના 2 પેકેટ લઇ 120ની જગ્યાએ રૂ. 100 આપતાં સુભાષભાઈએ 120 રૂપિયા માગતાં તેઓએ આપ્યા ન હતાં. જેથી સુભાષભાઈએ સિગરેટના પેકેટ પાછી આપી દો કહેતાં યુવકે જણાવ્યું હતું કે, મેં એસે હી પૈસે દેતા હું. સુભાષભાઈએ કહ્યું હતું કે, આવી રીતે જ્યાંથી મળતી હોય ત્યાંથી લઈલો. જે બાદ યુવક 20 રૂપિયા આપીને જતો રહ્યો હતો. થોડા સમય બાદ યુવક સાથે તેના અન્ય મિત્રો આવ્યા હતા અને સુભાષભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. બીજા દિવસે સુભાષભાઈએ સીસીટીવી તપાસતા એક યુવક ફારૂક છાપરાનો પુત્ર ફૈઝલ હતો. અન્ય ટોન કાલીયા, આફતાબ અને 2 યુવક હતા.
પહેલાં ફરિયાદ નહોતી કરવી, બંદૂક કાઢતાં નોંધાવી છે
યુવકો મને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરી પાછા આવ્યા હતા. એક યુવકે મોપેડમાંથી બંદુક કાઢી હતી. મારે પહેલા ફરિયાદ નહોતી કરવી પણ તેણે બંદુક કાઢતા મે ફરિયાદ કરી હતી. - સુભાષ અગ્રવાલ, ફરિયાદી