દેશની ટોચની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાનારી NEET UG પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો એનટીએ નીટની સત્તાવાર વેબસાઇટ neet.ntaonline.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ભારત બહારના 14 શહેર સહિત દેશભરના 557 શહેરમાં વિવિધ કેન્દ્રો પર 24 લાખથી વધુ ઉમેદવારો માટે રવિવારે 5 મેના રોજ બપોરે 02:00થી 05:20 દરમિયાન પરીક્ષા લેવામાં આવશે. રાજકોટ જિલ્લામાં 7 કેન્દ્ર પરથી રવિવારે NEETની પરીક્ષા લેવામાં આવશે. જેમાં 7,249 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે. બપોરે 2થી 5.20 વાગ્યા સુધી પરીક્ષા ગોઠવવામાં આવી છે. જેમાં આર.કે. યુનિવર્સિટીમાં 2 કેન્દ્ર, મારવાડી યુનિવર્સિટીમાં 2, પી.ડી.એમ. કોલેજ પાસેની સર્વોદય સ્કૂલમાં 1, રાજકુમાર કૉલેજમાં 1 અને ક્રાઈસ્ટ કોલેજમાં 1 કેન્દ્ર પરથી એમ કુલ 7 પરીક્ષા કેન્દ્ર ઉપરથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.
NEET UG 2024 પરીક્ષા માટે અરજી પ્રક્રિયા 9 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ થઈ હતી. આ માટે અરજી કરવા માટે ઉમેદવારોને 16 માર્ચ 2024 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પરીક્ષા 5મી મેના રોજ લેવામાં આવશે. આ પરીક્ષામાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના વિષયના 720 માર્કના 180 MCQ હશે. જેમાં 1 MCQનો 4 માર્ક હશે. 1 MCQ ખોટો પડશે તો 1 માર્ક કપાશે. જેમાં 180માંથી 90 પ્રશ્ન બાયોલોજીના હશે. જેમાં 45 ઝૂલોજી અને 45 પ્રશ્ન બોટની વિભાગના હશે. જ્યારે 45 ફિઝિક્સ અને 45 પ્રશ્ન કેમિસ્ટ્રી વિષયના હશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની માર્ચ માસમાં બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. 22મી માર્ચે આ પરીક્ષા પૂર્ણ થઈ હતી તેના એક મહિના બાદ હવે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ 5 મેના મેડિકલમાં પ્રવેશ માટે અન્ડર ગ્રેજ્યુએશનની NEETની પરીક્ષા આપવાના છે. જેને લઈને પરીક્ષા કેન્દ્રો ઉપર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટેની નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તૈયારી કરવામાં આવી છે. રાજકોટ સહિત દેશભરમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ રવિવારે NEETની પરીક્ષા આપશે.