રૈયાધાર મફતિયાપરા બાર માળિયા ક્વાર્ટરમાં રહેતા યુવાનના ફ્લેટ પર સાત શખ્સોએ સોડા-બોટલના ઘા કરી નુકસાન પહોંચાડ્યાનું અને એક વ્યક્તિને ઇજા થઇ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બાર માળિયા ક્વાર્ટરના છઠ્ઠા માળે રહેતા લાલજી ઉર્ફે લાલો નગીનભાઇ ચૌહાણ નામના યુવાને રૈયાધારમાં જ રહેતા હરસુખ બાબુ મકવાણા, તેનો દીકરો કરન, અર્જુન, નવાબ જાહીદ ખાકુ, સુલેમન, તેનો દીકરો તોસીશ સહિત સાત શખ્સ સામે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ગત રાતે બે વાગ્યે મિત્ર દેવરાજ સોલની, તેની માતા અને ભાઇ ઘરે આવ્યા હતા. મિત્રે ઘરની બહાર બોલાવી માતાને મામા હરસુખભાઇ સાથે ઝઘડો થયો હોવાથી આજની રાત અમને તારા ઘરે રોકાવા દેવાની વાત કરી હતી. જેથી તારા કુટુંબના ઝઘડામાં હું આશરો આપું તો મારે તેમની સાથે ડખો થશે એટલે તમે અહીંથી જતા રહોની વાત કરી હતી. મિત્ર દેવરાજને વાત કરતા તે તેની માતા, ભાઇ સાથે જતો રહ્યો હતો. દરમિયાન રાત્રીના અઢી વાગ્યાના અરસામાં બહારથી અવાજ આવતો હતો. જેથી બારી ખોલી જોતા નીચે બાઇક, કારમાં આવેલા મિત્રના મામા હરસુખભાઇ સહિતના સાત શખ્સો પોતાના ફ્લેટ પર સોડા-બોટલના ઘા કરતા જોવા મળ્યાં હતા. જેથી એપાર્ટમેન્ટના અનેક ફ્લેટની બારીના કાચ તેમજ નીચે પાર્કિંગમાં રહેલા વાહનોમાં નુકસાની થઇ હતી. મિત્રના મામા સહિતના શખ્સો ત્યાંથી જતા રહ્યા બાદ તપાસ કરતા પાર્કિંગમાં બેઠેલા ધવલભાઇ જાદવને બંને પગમાં ઇજા થઇ હતી. આમ મિત્રને તેના પરિવાર સાથે પોતે આશરો આપ્યો હોવાની શંકાએ 7 શખ્સે આતંક મચાવ્યો હતો.