બ્રિટનના ભારતવંશી વડાપ્રધાન ઋષિ સુનક પ્રવાસીઓને લઇને સતત સખત પગલાં લઇ રહ્યાં છે. બ્રિટનમાં 4 એપ્રિલથી મિડ લેવલ ટીચર, શેફ, નર્સ અને કેરગિવર્સને ત્યારે જ સ્કિલ્ડ વર્ક વિઝા માટે પ્રવેશ મળશે જ્યારે તેઓનો વાર્ષિક પગાર 41 લાખ રૂપિયા હશે. અત્યાર સુધી આ મર્યાદા 27.50 લાખ રૂપિયા હતી. સુનક સરકારે પગારની મર્યાદા લગભગ બમણી કરીને બ્રિટનમાં નોકરી ઇચ્છતા ભારતીયો માટેનો રસ્તો વધુ પડકારજનક બનાવ્યો છે.
મિડ લેવલ જૉબ્સ માટે બ્રિટન આવનારા લગભગ 2 લાખ ભારતીયો પર તેની અસર પડવાની આશંકા છે. જોકે તાજેતરમાં સ્કિલ્ડ વર્ક વિઝા હેઠળ અરજી કરનારા આઇટી પ્રોફેશનલના પગારધોરણની મર્યાદા 35 લાખથી 52 લાખ રૂપિયા કરાઇ હતી.
ભારતીય સ્કિલ્ડ વર્કરો માટે ફેમિલી વિઝા મેળવવા માટે પગારની મર્યાદા 56% વધારવામાં આવી છે. પહેલાં બ્રિટનમાં 19.50 લાખ રૂપિયા વાર્ષિક કમાણી કરતા ભારતીય ફેમિલી વિઝા માટે અરજી કરી શકતા હતા, હવે આ મર્યાદા વધારીને 30.50 લાખ રૂપિયા કરાઇ છે. આ નિયમો 11 એપ્રિલથી લાગુ થશે. સાથે જ નેશનલ હેલ્થ સ્કીમ હેઠળ એનરોલ થવા માટે ભારતીય સ્કિલ્ડ વિઝાધારકો માટે 65 હજારની વાર્ષિક ફીને વધારીને 1 લાખ 10 હજાર રૂપિયા કરાઇ છે. એનએચએસ ફીને પણ વધારીને પ્રવાસી પરિવારોના પ્રવેશ પર રોકનો ઇરાદો છે.