શહેરની ભાગોળે વાવડીમાં આવેલા કારખાનાના માલસામાનની લિફ્ટમાં માથું ફસાઇ જતાં મહિલા શ્રમિકનું મોત નીપજ્યું હતું. ફસાયેલા મૃતદેહને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યો હતો. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર પુનિતનગર પાણીના ટાંકા પાસેની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા ગીતાબેન રમેશભાઇ દયાતર (ઉ.વ.42) વાવડીના મારુતિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા એડિશનપ્રાઇઝ નામના કારખાનામાં કામ કરતા હતા. ગુરુવારે સવારે ગીતાબેન કારખાનામાં માલસામાનની લિફ્ટમાં કારખાનાનો સામાન ભરીને કારખાનાના ઉપરના માળે મૂકવા જઇ રહ્યા હતા.
પ્રથમ માળ અને બીજા માળ વચ્ચે ખુલ્લી લિફ્ટ પહોંચી હતી ત્યારે તેમાં ઊભેલા ગીતાબેને લિફ્ટમાંથી મોઢું બહાર કાઢી નીચે જોતા જ લિફ્ટ ઉપર પહોંચી ગઇ હતી અને લિફ્ટ તથા દીવાલની વચ્ચે ગીતાબેનનું માથું ફસાઇ ગયું હતું. લિફ્ટમાં ફસાયેલા મૃતદેહને ફાયર બ્રિગેડના જવાનોઅે કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ગીતાબેન બે સંતાનના માતા હતા, તેમના પતિનું અવસાન થયા બાદ ગીતાબેન કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગીતાબેનના મૃત્યુથી તેના સંતાનો નોધારા બની ગયા હતા. માલસામાન માટે મુકવામાં આવેલી લિફ્ટનું લાઇસન્સ મેળવવામાં આવ્યું હતું કે કેમ?, લિફ્ટના નિયમોનું પાલન કરાયું હતું કે કેમ તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી.