પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના મુખ્યમંત્રી એમએસ કૃષ્ણાનું મંગળવારે સવારે લગભગ 2.30 વાગ્યે અવસાન થયું. તેમણે બેંગલુરુ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. કૃષ્ણા વય સંબંધિત બીમારીઓથી પીડિત હતા. તેમનું પૂરું નામ સોમનહલ્લી મલ્લૈયા કૃષ્ણ હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા એમએસ કૃષ્ણા 2017માં ભાજપમાં જોડાયા હતા. તેમને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
તેઓ કર્ણાટકના અત્યાર સુધીના સૌથી વધુ શિક્ષિત મુખ્યમંત્રીઓમાંના એક હતા. તેમણે મહારાજા કોલેજ, મૈસુરમાંથી સ્નાતક થયા અને પછી સરકારી લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી. વધુમાં, તેમણે સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટી, ડલ્લાસ, યુએસએમાં અભ્યાસ કર્યો. અને બાદમાં જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો.
ભારત પરત ફર્યા પછી, એસએમ કૃષ્ણાએ રેણુકાચાર્ય લો કોલેજ, બેંગલુરુમાં આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રોફેસર તરીકે પણ કામ કર્યું. એસએમ કૃષ્ણા 1962માં કર્ણાટક વિધાનસભા માટે ચૂંટાયા હતા. આ પછી, તેમણે 1968 માં સંસદમાં પ્રવેશ કર્યો અને ચોથી લોકસભાના સભ્ય બન્યા. તેઓ પાંચમી લોકસભા માટે પણ ચૂંટાયા હતા પરંતુ 1972માં તેમણે રાજ્યના રાજકારણમાં પાછા ફરવાનું પસંદ કર્યું હતું.