આજથી આસો મહિનાનું વદ પક્ષ શરૂ થઈ ગયું છે અને 26 ઓક્ટોબરથી કારતક મહિનો શરૂ થઇ રહ્યો છે. વર્ષા ઋતુ પછી આ દિવસો દરમિયાન ઠંડક વધવા લાગે છે. ઠંડીના દિવસોમાં સ્વાસ્થ્યને સારું જાળવી રાખવા માટે ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. ભોજનમાં એવી વસ્તુઓને સામેલ કરો, જેનાથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધવા લાગે છે. ભોજનની ગરમ વસ્તુઓનું સેવન કરો. આ સમયગાળામાં જાપ અને ધ્યાન કરવાનું પણ મહત્ત્વ છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે આ દિવસો દરમિયાન સવારે જલ્દી જાગીને ધ્યાન કરવાથી મન શાંત રહે છે અને માનસિક તણાવ દૂર થાય છે. આ સમયગાળો મંત્ર જાપ, ધ્યાન અને ખાનપાનની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જાપ માટે ગાયત્રી મંત્ર સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મંત્રથી સ્વાસ્થ્ય સાથે જ ધર્મલાભ પણ પ્રાપ્ત કરી શકાય છે.
ગાયત્રી મંત્ર
ऊँ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।।
અર્થ- સૃષ્ટિની રચના કરનાર, પ્રકાશમાન પરમાત્માનું તેજનું આપણે ધ્યાન કરીએ છીએ, પરમાત્માનું આ તેજ આપણી બુદ્ધિને યોગ્ય માર્ગ તરફ આગળ વધારવા માટે પ્રેરિત કરે
મંત્ર જાપ વખતે આ વાતોનું ધ્યાન રાખો
મંત્રજાપ કોઇ શાંત અને સાફ સ્થાને કરો. સવારે જલ્દી જાગો અને સ્નાન પછી ઘરના મંદિરમાં ગાયત્રી માતાની મૂર્તિ કે ચિત્ર સામે કુશના આસન ઉપર બેસવું. માતાનું પૂજન કરો અને ગાયત્રી મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વાર કરો.
જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો. આ મંત્રના જાપ માટે ત્રણ સમય જણાવવામાં આવ્યાં છે. આ ત્રણેય સમયને સંધ્યાકાળ કહેવામાં આવે છે.
મંત્ર જાપનો પહેલો સમય સવારનો છે. સૂર્યોદય પહેલાં મંત્ર જાપ શરૂ કરવો જોઇએ અને સૂર્યોદય થાય ત્યાં સુધી જાપ કરવો જોઇએ.
બીજો સમય બપોરનો અને ત્રીજો સમય સાંજે સૂર્યાસ્તના થોડા સમય પહેલાનો છે. સૂર્યાસ્ત પહેલાં મંત્ર જાપ શરૂ કરીને સૂર્યાસ્તની થોડીવાર સુધી જાપ કરી શકો છો.
આ ત્રણ સમય સિવાય જો તમે જાપ કરવા માંગો છો તો મૌન રહીને, માનસિક રૂપથી જાપ કરવો જોઇએ. મંત્ર જાપ વધારે મોટા અવાજમાં કરવો નહીં.
આ મંત્રના જાપથી પોઝિટિવિટી વધે છે. નકારાત્મક વિચાર દૂર થાય છે અને તણાવ દૂર થાય છે. મન શાંત રહે છે, જેનાથી કોઇપણ કામ સંપૂર્ણ એકાગ્રતા સાથે કરી શકો છો.