શહેરની ભાગોળે કાલાવડ રોડ પર કણકોટ નજીક રહેતા આધેડનું ઊલટી થયા બાદ બેભાન હાલતમાં મૃત્યુ થયું હતું. ત્રણ દિવસ પૂર્વે થયેલી મારામારીને કારણે મૃત્યુુ થયાનો પરિવારજનોએ આક્ષેપ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. બનાવની વિગત મુજબ કણકોટના પાટિયા પાસેના હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા અલ્પેશગીરી લલિતગીરી ગોસ્વામી (ઉ.વ.45) સોમવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે ઊલટી થયા બાદ બેભાન થઇ ગયા હતા અને બેભાન હાલતમાં જ તેમનું મૃત્યું થયું હતું. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, અલ્પેશગીરી બે ભાઇમાં મોટા હતા અને તેમના લગ્ન થયા નહોતા. મૃતકના નાનાભાઇ ભાવેશગીરીએ આક્ષેપ કર્યો હતો કે, ત્રણ દિવસ પૂર્વે અલ્પેશગીરી ઘરથી થોડે દૂર ચાની હોટેલે તેમના મિત્રો કાનો, હકો તથા અજાણ્યા શખ્સ સાથે બેઠા હતા ત્યારે ગાળાગાળી થયા બાદ મારકૂટ થઇ હતી, મારામારીમાં અલ્પેશગીરીને મૂઢ ઇજા થઇ હોવા છતાં તેમણે સારવાર લીધી નહોતી અને ઘરે આરામમાં જ હતા અને ઇજાને કારણે ઊલટી થયા બાદ બેભાન થઇ ગયા હતા અને તેમાં જ તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે મૃતદેહનું ફોરેન્સિક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તપાસને સાચી દિશા મળશે તેવું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.