કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આડે 11 દિવસનો સમય રહ્યો છે ત્યારે રાજ્યમાં ત્રણ મુખ્ય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ બળવાની ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છે. કેટલાક વર્તમાન ધારાસભ્યો સહિત દાવેદારોને ટિકિટ ન મળવાના કારણે તેઓ પોતાની જ પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખ 24મી એપ્રિલે પૂર્ણ થઇ ચૂકી છે પરંતુ વિવિધ પક્ષોની સ્થિતિ યથાવત્ છે. રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીને 17 બેઠકો પર અસંતોષની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ અને જેડીએસને ક્રમશ: 13 અને એક બેઠક પર બળવાખોરોનો સામનો કરવાની ફરજ પડી રહી છે.
શેટ્ટારને હરાવવા યેદિયુરપ્પાને મોટી જવાબદારી સોંપાઈ
જગદીશ શેટ્ટારને હરાવવાની જવાબદારી ભાજપના દિગ્ગજ અને રાજ્યમાં સૌથી મોટા લિંગાયત નેતા બી.એસ. યેદિયુરપ્પાએ પોતે લીધી છે. ભાજપે હુબલી-ધારવાડ (મધ્ય)થી શેટ્ટારને ટિકિટ આપી નથી. જ્યારે સાવદીને પણ પાર્ટીએ અથાનીથી ટિકિટ આપી નથી. સામાન્ય રીતે સાવદી આ બેઠક પરથી 2018માં પરાજિત થઇ ચૂક્યા છે. મોડેથી આ બંને કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. બંને નેતા પ્રભાવશાળી લિંગાયત સમુદાયના છે.
કર્ણાટકની પુત્તૂર સીટ ભાજપ માટે પડકારરૂપ છે
કર્ણાટકમાં કાંઠાની પુત્તૂર સીટ ભાજપ માટે પડકારરૂપ છે. આ ઉપરાંત બેલહોંગલ, ચન્નાગિરી, હોસદુર્ગા, ગાંધીનગર, તુમકુરુ, કંડાગોલ, , કારવાર, રાનીબેન્નૂર, હોલાલકેરે, બાગલકોટ, નાગમંગલા, કોલ્લેગલ, કોરાટાગેર અને અફઝલપુરમાં પણ ભાજપની સામે મુશ્કેલ છે. ભાજપ માટે હિન્દુત્વની પ્રયોગશાળાના કેન્દ્રમાં પુત્તૂર છે. ત્યાં લડાઇ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની નથી. ભાજપના ઉમેદવાર આશા થિમ્મપ્પા ગૌડાની ટક્કર અરુણ પુથિલાની સામે છે.