શહેરના 80 ફૂટ રોડ પર છ દિવસ પૂર્વે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઘવાયેલા વૃદ્ધાએ દમ તોડ્યો છે. કાલાવડ રોડ શનેશ્વર પાર્કમાં રહેતા શિવાભાઈ ઓરા અને તેમના પત્ની નંદુબેન ગત તા. 13ની રાતે બાઈક પર 80 ફૂટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સોરઠિયાવાડી સર્કલ નજીક પહોંચતા સામેથી એક પૂરઝડપે રિક્ષા ધસી આવી હતી અને બાઈકને ઠોકર મારી હતી. જેને કારણે વૃધ્ધ દંપતિ બાઈક પરથી ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.
જો કે, શિવાભાઈને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે તેમના પત્ની નંદુબેનને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં છ દિવસની સારવાર કારગત નહીં નીવડતા નંદુબેને ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને વૃધ્ધની ફરિયાદ પરથી અજાણ્યા રિક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો છે. સીસીટીવીના આધારે પોલીસે ચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.