વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 20 ફેબ્રુઆરીએ PM-USHA યોજના એટલે કે પ્રધાન મંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાનનું વર્ચ્યુઅલ લોન્ચિંગ કરવામાં આવશે. જે અંતર્ગત દેશભરની 26 વિશ્વ વિદ્યાલયોને ભૌતિક-ડિજિટલ માળખું અપગ્રેડ કરી શિક્ષણ-સંશોધનને વેગ આપવા માટે 100 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 100 કરોડની ગ્રાન્ટ મળવાની છે જે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે કારણકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં આટલી મોટી ગ્રાન્ટ મળી હોય તેવી આ પ્રથમ ઘટના છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીલાંબરી દવેએ નિતિ આયોગની મિટિંગમાં ભાગ લઈ વિવિધ સૂચનો કર્યા હતાં. કુલપતિએ કરેલા આ સૂચનો અને પ્રયત્નોના ફળસ્વરૂપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ ઐતિહાસિક સિધ્ધિ પ્રાપ્ત થઈ છે અને ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને PM-USHA અંતર્ગત 100 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી ઉચ્ચ શિક્ષા અભિયાન (PM-USHA) યોજના હેઠળ મલ્ટિડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિશેષ ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. ભારત દેશની કુલ 26 યુનિવર્સિટીઓને જ ઉપરોકત યોજના હેઠળ 100 કરોડની ગ્રાન્ટ મળી છે. આ 26 યુનિવર્સિટીઓમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સમાવેશ થયો છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ખુબ ગૌરવની વાત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 100 કરોડની ઐતિહાસિક ગ્રાન્ટ મંજુર કરવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો આભાર પ્રગટ કર્યો હતો. આ ગ્રાન્ટ મળવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિને વધુ વેગ મળશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં ભારત સરકારના શિક્ષા મંત્રાલય તરફથી આટલી મોટી રકમની ગ્રાન્ટ મળી હોય તેવી પ્રથમ ઘટના છે.