મુન્દ્રાના ગોદામમાં બોર્ડર રેન્જની ટીમે દરોડો પાડી રૂ.1.56 કરોડનો શંકાસ્પદ સોપારીનો જથ્થો ઝડપ્યા બાદ હવે સામખિયાળી પોલીસે મુન્દ્રાથી જ નિકળેલો 49.36 લાખનો શંકાસ્પદ સોપારીનો જથ્થો ઝડપી લેતાં આ સોપારી કૌભાંડમાં કડાકા ભડાકા થવાની શક્યતા જોવાઇ રહી છે. પોલીસે રોકેલી ટ્રકમાં બોગસ ઇ-વે બીલ અને ટ્રાન્સપોર્ટ બીલ્ટીના આધારે બહાર લઇ જવાતો હોવાનું બહાર આવ્યું છે જેમાં છ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે.
સાયબર સેલની ટીમે આદિનાથ ગોડાઉનમાં દરોડો પાડી 1.56કરોડની સોપારી ભરેલી ત્રણ ટ્રક જપ્ત કરી હતી. દરમિયાન, દરોડા પહેલા ગોદામમાંથી નિકળી ગયેલી GJ-12 BV-0085 નંબરની એક ટ્રકને સામખિયાળી પોલીસે હાઈવે પર વાંઢીયા નજીકથી ઝડપી પાડી હતી. ટ્રકમાં રૂ.49,36,000 ની કિંમતનો 24,680 કિલોગ્રામ સોપારીનો જથ્થો ભરેલો હતો. પોલીસેપૂછપરછ બાદ આધાર પૂરાવા માંગતા તેમણે એક્રેલિક પ્રોસેસીંગ એઈડ નામની પેઢીનું ઈ-વે બિલ અને ટ્રાન્સપોર્ટ બિલ્ટી રજૂ દેખાડ્યા હતા. પોલીસે કરેલી પ્રાથમીક તપાસમાં ઈ-વે બિલ અને બિલ્ટી બોગસ હોવાનું પૂરવાર થયું હતું.