વૈશ્વિક અનિશ્ચિતત્તા, જિયો ટેન્શન તેમજ ઓપેક દેશો દ્વારા ઉત્પાદનમાં સતત ઘટાડાની જાહેરાત છતાં ક્રૂડની કિંમતોમાં મોટી તેજી જોવા મળી નથી. ઉલટું છેલ્લા એક વર્ષમાં ક્રૂડની કિંમત સરેરાશ 15 ટકાથી વધુ ઘટી છે. બ્રેન્ટ ક્રૂડ અત્યારે 77 ડોલર અંદર અને ડબલ્યુટીઆઇ ક્રૂડ 71 ડોલર આસપાસ ક્વોટ થઇ રહ્યું છે. ક્રૂડની કિંમતોમાં ઘટાડો છતાં ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઇ જ ફેરફાર કર્યો નથી જેના કારણે ઓઇલ કંપનીઓનો નફો સરેરાશ પાંચગણાથી વધુ વધ્યો છે.
આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને સરકાર ગ્રાહકોને ફાયદો કરાવે તેવા સંકેતો છે. અગ્રણીઓના મતે આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલમાં સરેરાશ પ્રતિ લિટર રૂ.5-10ના ઘટાડાની સંભાવનાઓ વધી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લે એપ્રિલ 2022માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. હાલમાં દેશના મોટાભાગના ભાગોમાં પેટ્રોલ 96 અને ડીઝલ 90 રૂપિયાથી વધુ પ્રતિ લિટર છે.
આઇઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલએ નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 33,000 કરોડનો નફો કર્યો હતો. આ નાણાકીય વર્ષ (2023-24)માં આ નફો રૂ. 1 લાખ કરોડથી વધુ થવાનો અંદાજ છે. એટલે કે તેમાં 3 ગણો વધારો જોવા મળી શકે છે. નાણાવર્ષ 24ના Q2 મુજબ ત્રણેય કંપનીઓનું સંયુક્ત ટર્નઓવર રૂ. 57,091.87 કરોડ હતું, જે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 1,137.89 કરોડ હતું, એટલે કે અત્યાર સુધીમાં 4,917% (5 ગણો) વધારો થયો છે.
જાહેર સેક્ટરના ઇંધણના રિટેલ વેચાણકર્તાઓએ એપ્રિલ 2022થી કિંમતોમાં કોઇ ફેરફાર કર્યો નથી. કિંમતો સ્થિર રાખવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કિંમતો માટે સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી રહી છે. કંપનીઓ હાલમાં 10 રૂપિયા પ્રતિ લિટરના માર્જિન પર છે. આ જ લાભ ગ્રાહકો સુધી પહોંચાડી શકાય છે. કંપનીઓનું આ પગલું મોંઘવારી ઘટાડવામાં પણ મદદ મળશે.