કાશ્મીરમાંથી કેન્દ્ર સરકારે કલમ 370 હટાવ્યા પછી પણ કાશ્મીરી પંડિતોનું ખીણમાં પાછા ફરવું મુશ્કેલ છે. 1989ના આતંકવાદી હુમલાને કારણે ખીણ છોડીને ગયેલા 60 હજાર પરિવાર પૈકીના 419 પરિવારે સરકારી મદદ વિના ખીણમાં પાછા ફરવાની હિંમત એકઠી કરી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને અરજી કરી પરંતુ 5 વર્ષ પછી પણ તેમને જવાબ મળ્યો નથી.
મહત્ત્વનું છે કે ફેબ્રુઆરી, 2021માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યના વહીવટી તંત્રને કાશ્મીરમાં પંડિતોના પુનર્વસન માટે રાજ્યના બજેટનો 2.5% ખર્ચ કરવા કહ્યું હતું. છતાં પણ વહીવટી તંત્રે આજ સુધી કાંઈ જ કર્યું નથી. તાજેતરમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ એક કાર્યક્રમમાં ટૂંક સમયમાં પુનર્વસન શરૂ થશે તેવો સંકેત આપ્યો હતો પરંતુ તે ક્યારે શરૂ થશે તે અંગે વહીવટી તંત્ર હજી સુધી મૌન છે.
2019થી જમ્મુ અને કાશ્મીરમાં લે. ગવર્નરના શાસન છે. તેથી બજેટનાં નાણાં કેન્દ્ર તરફથી લે. ગવર્નર અને પછી નાણાં વિભાગ પાસે આવે છે. 3 વર્ષમાં 3.38 લાખ કરોડ મળ્યા છે. જો આ બજેટના 2.5% પુનર્વસન માટે અપાયા હોત તો 8465 કરોડ ખર્ચાયા હોત, પરંતુ તંત્રે ફાળવણી ન કરી.
દિલ્હી રહેતા સંસ્થાના અધ્યક્ષ સતીશ મહાલદાર અને પુનર્વસન અને વાપસીની લડાઈ લડી રહ્યા છે. તેઓ કહે છે કે છેલ્લા ત્રણ દાયકામાં આવેલી દરેક સરકારોએ પરત ફરવાનું સપનું બતાવ્યું પરંતુ પરત ફરવાની તારીખ નથી જણાવી. મેં એપ્રિલ, 2022માં રાહત અને પુનર્વસવાટ વિભાગમાં એક આરટીઆઇ દાખલ કરી ત્યારે મને જાણ થઈ કે રાજ્યના બજેટનો 2.5% હિસ્સો પુનર્વસન પર ખર્ચ કરવાનો નિર્ણય એક નીતિગત નિર્ણય છે, પરંતુ હજુ સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી. વિભાગની દલીલ છે કે જ્યારે પણ સરકાર આ અંગે નિર્ણય લેશે ત્યારે તેનો અમલ કરવામાં આવશે.