ધર્મેન્દ્ર રોડ, સર લાખાજીરાજ રોડ, દિવાનપરા, ગરેડિયા કુવા રોડ, ઘી કાંટા રોડ સહિતની બજારમાં દુકાનની બહાર પાથરણાવાળા બેસે છે જેને કારણે ગ્રાહકો અને વેપારીઓને મુશ્કેલી પડે છે. ત્યારે આ અંગે હોલસેલ ટેક્સ ટાઈલ્સ રિટેલ મર્ચન્ટ એસો. સહિત 6 એસોસિએશને મેયરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને દબાણ દૂર નહિ થાય તો વેપારીઓએ ધરણાની ચીમકી ઉચ્ચારી હતી.
આ અંગે વધુ માહિતી આપતા એસો.ના પ્રમુખ હિતેશભાઈ અનડકટે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વખતથી શહેરની મુખ્ય બજારોમાં ફેરિયાઓ, પાથરણાવાળા તેમજ લારીવાળા રોડ પર બેસીને દબાણ કરીને વેપાર કરે છે. ટ્રાફિકજામની સમસ્યા ઊભી થાય છે. રાહદારી, દુકાનદાર અને વાહનચાલક વચ્ચે દૈનિક ઝઘડા થાય છેે. ખરીદી માટે આવતા લોકો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે જેને કારણે તેઓ બીજી બજારમાં ખરીદી કરતા થઈ ગયા છે જેને કારણે વેપારને નુકસાન થાય છે. આ બધી બજારોમાં અંદાજિત 1500 થી 2 હજાર દુકાનદારો સમસ્યા અનુભવે છે.