શહેરમાં થોરાળા પાસેના ગોકુલપરામાં પાનની દુકાન ચલાવતા વૃદ્ધા પાસેથી મફતમાં માલ લઇને પૈસા નહીં આપનાર શખ્સને સમજાવવા જતા આધેડ પર પીઆઇ પર હુમલાના કેસમાં ફરાર નામચીન સહિતની ટોળકી પર હુમલો કરી સોનાનો ચેઇન, મોબાઇલ અને રોકડ બળજબરીથી પડાવી લઇ નાસી જતાં થોરાળા પોલીસે નામચીન સહિત છ સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા કાર્યવાહી કરી છે.
ગાેકુલપરામાં રહેતો હરેશભાઇ કાનજીભાઇ પરમાર (ઉ.44) તેના ઘર પાસે હતો ત્યારે નામચીન શામજી મકાભાઇ મકવાણા, કેવલ સોંદરવા, દિલીપ પ્રેમજી ચૌહાણ, અજય જાદવ, નાગેશ શામજી મકવાણા અને રોહિત રાઠોડ સહિતે ઢીકાપાટુનો બેફામ માર મારી તેની પાસેથી સોનાનો ચેઇન, મોબાઇલ અને રૂ.2500ની રોકડ બળજબરીથી પડાવી લઇ નાસી ગયા હતા. બનાવને પગલે ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા પીએસઆઇ ટીલાળા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં સેન્ટ્રીંગ કામની મજૂરીકામ કરતાં હરેશભાઇની માતા પ્રભાબેન તેના ઘર પાસે પાનની દુકાન ચલાવતા હોય જેથી કેવલ સોંદરવા અવાર-નવાર મફતમાં વસ્તુઓ લઇ જતો હોય તેને સમજાવવા માટે તેના ઘેર ગયા હતા પરંતુ કેવલ ઘેર ન હોય પરત આવતા હતા ત્યારે અજય જાદવે તેને ફોન કર્યો હતો અને શામજી મકવાણાના ઘેર બોલાવ્યો હતો. ત્યા જતાં શામજી સહિતની ટોળકીએ બેફામ ઢીકાપાટુની મારકૂટ કરી રોકડ સહિતની લૂંટ ચલાવી નાસી ગયાનું જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી કરી છે.
પોલીસની તપાસમાં શામજી મકા મકવાણા અગાઉ થોરાળાના પૂર્વ પીઆઇ જનકાંત પર હુમલો કરવાના ગુનામાં હજુ ફરાર હોવાનું બહાર આવતા પોલીસે શામજી સહિતની ટોળકીને પકડી લેવા કાર્યવાહી કરી છે.