ભારત આજે તેનો 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ અવસર પર દુનિયાભરમાંથી શુભેચ્છાઓ આવી રહી છે. આ તરફ હવે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના વિકાસમાં અગ્રેસર રહીને હેલ્થકેર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રાથમિકતા આપવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
આ સાથે ભારતીય-અમેરિકન અવકાશયાત્રી રાજા ચારીએ પણ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફથી ભારતને તેના 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ તરફ સિંગાપોર હાઈ કમિશને પણ 76માં સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતને શુભેચ્છાઓ પાઠવી હતી.
શું કહ્યું બિલ ગેટ્સે ?
બિલ ગેટ્સે ટ્વિટ કર્યું, 'જેમ કે ભારત તેના 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે હું ભારતના વિકાસને અગ્રેસર કરતી વખતે હેલ્થકેર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રાથમિકતા આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપું છું. આ ક્ષેત્રોમાં ભારતની પ્રગતિ પ્રેરણાદાયી છે અને અમે આ પ્રવાસમાં ભાગીદાર બનવા માટે ભાગ્યશાળી છીએ.
શું કહ્યું ભારતીય-અમેરિકન અવકાશયાત્રી રાજા ચારીએ ?
ભારતીય-અમેરિકન અવકાશયાત્રી રાજા ચારીએ પણ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફથી ભારતને તેના 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેણે ટ્વિટ કર્યું, 'ભારતીય સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ, હું ભારતીય સમુદાયને મિસ કરી રહ્યો છું. હું સ્પેસ સ્ટેશન પરથી જોઈ શકું છું કે મારા સ્થળાંતરિત પિતાનું વતન હૈદરાબાદ કેવી રીતે ચમકી રહ્યું છે. નાસા એક એવી જગ્યા છે જ્યાં ભારતીય-અમેરિકનો દરરોજ કંઈક એવું કરે છે જેનાથી ફરક પડે છે. હું યુ.એસ.માં ભારતીય દૂતાવાસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની રાહ જોઉં છું.
શું કહ્યું સિંગાપોર હાઈ કમિશને ?
સિંગાપોર હાઈ કમિશને પણ 76માં સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતને શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતમાં સિંગાપોર એમ્બેસીએ ટ્વીટ કર્યું, 'ભારતને 76માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા. આપણા પ્રિય મિત્ર ભારતે ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. ખુશી છે કે ભારત તેની અપાર ક્ષમતાને પારખીને આગળ વધી રહ્યું છે. સિંગાપોર પણ ભારતની ગ્રોથ સ્ટોરીનો એક ભાગ છે. અમે સાથે મળીને નવી ઊંચાઈઓ સર કરવા આતુર છીએ.