રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. ટીમની પહેલી મેચ 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાઈ હતી, જેનું પરિણામ પાંચમા દિવસે એટલે કે આજે જાહેર થયું હતું. ટીમ ઈન્ડિયા આ મેચ 8 વિકેટે હારી ગઈ હતી. આ જીત સાથે કિવી ટીમે સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
36 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડની ભારતીય ધરતી પર આ પ્રથમ ટેસ્ટ જીત છે અને એકંદરે ત્રીજી છે. કિવી ટીમે આ પહેલાં 1988માં ભારતીય ધરતી પર ટેસ્ટ મેચ જીતી હતી. આ બેંગલુરુ ટેસ્ટમાં ભારતીય ટીમે એવી 5 મોટી ભૂલો કરી છે, જેના કારણે તે મેચ હારી ગઈ છે
મેચમાં ટૉસ સમયે જ પહેલી ભૂલ થઈ હતી. આ ભૂલ કેપ્ટન રોહિત શર્માએ કરી હતી, જેની સજા ટીમને ભોગવવી પડી હતી. બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ કેપ્ટને આ ભૂલ માટે ચાહકોની માફી પણ માગી હતી. રોહિત શર્માએ કહ્યું કે તેણે પિચને સમજવામાં મોટી ભૂલ કરી છે. તે પિચને બરાબર સમજી શક્યો નહોતો.
આ કારણે જ તેણે ટૉસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જે સંપૂર્ણપણે ખોટો સાબિત થયો. ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 92 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં પહેલીવાર ઘરઆંગણે સૌથી લોએસ્ટ સ્કોર પર ટીમ ઓલઆઉટ થઈ હતી.