વકફ સુધારા બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ બિલ બપોરે 12 વાગ્યે પ્રશ્નકાળ પછી ગૃહમાં રજૂ કરવામાં આવશે. સ્પીકર ઓમ બિરલાએ આ અંગે ચર્ચા કરવા માટે 8 કલાકનો સમય ફાળવ્યો છે. આમાંથી 4 કલાક 40 મિનિટનો સમય NDAને આપવામાં આવ્યો છે, બાકીનો સમય વિપક્ષને આપવામાં આવ્યો છે.
ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને નીતીશ કુમારની જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)એ બિલને ટેકો આપવાની જાહેરાત કરી છે. બંને પક્ષોએ તેમના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો છે.
બીજી તરફ, વિપક્ષ બિલનો વિરોધ કરી રહ્યો છે. તમિલનાડુના એઆઈએડીએમકે, નવીન પટનાયકના બીજુ જનતા દળ અને કે ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ જેવા તટસ્થ પક્ષો પણ આ મામલે વિપક્ષ સાથે છે. ગઈકાલે, ઈન્ડિયા બ્લોકના પક્ષોએ સંસદ ભવનમાં એક બેઠક યોજી હતી અને બિલ પર તેમની વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી.
આ ઉપરાંત, વિપક્ષે ચર્ચાનો સમય વધારીને 12 કલાક કરવાની માંગ કરી છે. આ અંગે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે ચર્ચાનો સમય વધારી શકાય છે. દેશ એ પણ જાણવા માંગે છે કે કયા પક્ષનું વલણ શું છે.