રાજકોટ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)માં ગેરરીતિ આચરી રૂ.2050 કરોડનું કૌભાંડ આચરી છેલ્લા 3 વર્ષમાં રૂ.258 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાના કૌભાંડનો ફેબ્રુઆરી-2023માં પર્દાફાશ થયા બાદ ચાર સ્થળે ગુનો નોંધાયો હતો અને 141 આરોપીની ધરપકડ થઇ હતી. ત્યારબાદ આ ચકચારી પ્રકરણમાં ભાવનગર પોલીસે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજસીટોક(ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ)નો રાજકોટના જતિન કક્કડ સહિત 20 શખ્સ સામે ગુનો નોંધ્યો હતો અને તેમાંથી 14 શખ્સની ધરપકડ કરી.
રાજકોટ સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં તમામ આરોપીઓને 25 દિવસના રિમાન્ડની માગણી સાથે રજૂ કર્યા હતા. જેમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની દલીલો ધ્યાનમાં લઇ ગુજસીટોક કોર્ટના ન્યાયમૂર્તિએ 14 આરોપીઓને 16 દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે. ભાવનગરમાંથી ઉજાગર થયેલા આ કૌભાંડમાં 20 શખ્સ સામે ગુનો દાખલ થયા બાદ ભાવનગર પોલીસે 14 શખ્સની ધરપકડ કરી રિમાન્ડની માગણી સાથે રાજકોટ ખાતે ગુજસીટોક કોર્ટમાં રજૂ કર્યા હતા.