નવરંગપુરામાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા એક યુવકને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે પાનના પાર્લર પાસે ગ્રાહકોને એમડી વેચવા માટે આવ્યો ત્યારે ધરપકડ કરી તેની પાસેથી રૂ. 1. 78 લાખની કિંમતનો માદક પદાર્થ કબજે કરવામાં આવ્યો હતો.
એસઓજીએે બાતમી મળી હતી કે નવરંગપુરામાં કેટલાક લોકો એમડી ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે. સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલા એક પાનના ગલ્લાંની પાસે એક યુવક એમડી ડ્રગ્સ લઈને વેચાણ માટે આવવાનો હોવાની માહિતી મળી હતી. જેના પગલે એસઓજીની ટીમે ખાનગી ડ્રેસમાં શનિવારે સાંજના સમયે સ્વસ્તિક ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક યુવક ત્યાં આવતા પોલીસે તેને પકડી પૂછપરછ કરતા તેનું નામ મોઈન ઈકબાલહુસેન ધલ્લાવાલા હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી 1.78 લાખની કિંમતનું 17 ગ્રામ 850 મિલીગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ તથા અન્ય ચીજવસ્તુઓ મળી આરોપી પાસેથી કુલ રૂ 1,81 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.