દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને નેક તરફથી અપાતી ગ્રેડિંગ સિસ્ટમ હવે ખતમ થઇ રહી છે. તેના સ્થાને બાઇનરી સિસ્ટમ લાગુ થશે. તેમાં બે પ્રકારની સંસ્થા હશે. - માન્યતા પ્રાપ્ત અને ગેર-માન્યતા પ્રાપ્ત. ચાલુ વર્ષના ડિસેમ્બરથી આ સિસ્ટમ લાગુ થઇ શકે છે.
નવી સિસ્ટમમાં માન્યતાપ્રાપ્ત સંસ્થાઓને લેવલ ઑફ એક્સેલન્સ મળશે. તેમને પરિપક્વતાના આધાર પર 1, 2, 3, 4 અને 5 સુધી લેવલ મળશે. તેને ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી કેપેસિટી મેચ્યોરિટી મોડલ લેવલ તરીકે સમજી શકાય છે. એ જ રીતે એજ્યુકેશન સેક્ટરમાં એક્સલન્સ લેવલ હશે. ઇન્ડસ્ટ્રીની માફક શૈક્ષણિક સંસ્થાઓનું સ્તર વર્ગીકૃત કરનારો ભારત પ્રથમ દેશ હશે.
નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ (નેક)ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન અને નેશનલ બોર્ડ ઑફ એક્રિડેટેશનના ચેરમેન પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધેએ જણાવ્યું કે લેવલ ઑફ એક્સલન્સ 1, 2, 3 અને 4 નેશનલ, જ્યારે લેવલ-5 ઇન્ટરનેશનલ હશે. કોઇ સંસ્થાને તે આપોઆપ નહીં મળે. એક સમિતિ દરેક સ્તરના માનકો નક્કી કરશે અને તેને પૂર્ણ કરવા પર કોલેજ કે યુનિવર્સિટીને લેવલ - 1, 2, 3 અપાશે. આ માનકોમાં પેટન્ટ, રિસર્ચ, પબ્લિકેશન, ઇનોવેશન, પ્લેસમેન્ટ, સમાજ પર અસર વગેરે સામેલ છે. તેને પૂર્ણ કરવા પર કોલેજ અરજી કરવા માટે હકદાર બનશે. અરજી બાદ દાવાની ચકાસણી કરાશે. ત્યારે ઉચિત સ્તર હાંસલ થશે.