ગો ફર્સ્ટ બાદ હવે સ્પાઈસજેટ એરલાઈનની મુશ્કેલીઓ પણ વધી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે એરક્રાફટની અછત હોવાથી અમદાવાદથી ગોવા જતી ફ્લાઈટ રાતોરાત બંધ કરી દીધી છે. ભાસ્કરે પૂછેલા પ્રશ્નમાં એરલાઇને જણાવ્યુ કે ‘ઓપરેશનલ કારણોસર ફલાઇટ બંધ કરવામાં આવી છે તે ક્યારે શરૂ થશે તે નક્કી નથી. એડવાન્સમાં બુકિંગ કરાવેલ પેસેન્જરો-ટૂર ઓપરેટરોને રિફંડ આપી દેવાની બાંયેધારી આપવામાં આવી છે.
અમદાવાદથી ગોવા જતી ફ્લાઈટ રાતોરાત બંધ કરી દીધી
જો કે એરલાઇનની સ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થતી જાય છે વર્ષ પહેલા અમદાવાદથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સહિત 11 ડિપાર્ચર હતા જે ધીમેધીમે ચાર પર આવી ગયા હતા. આજે ગોવાની ફલાઇટ પણ બંધ થતા હવે અમદાવાદથી દુબઇ, દિલ્હી અને જયપુર એમ કુલ ત્રણ જ સેક્ટર પર ફલાઇટ ઓપરેટ કરશે. અમદાવાદ એરપોર્ટ પરથી ફ્લાઈટે મંગળવારે બપોરે 4.14 કલાકે ગોવા માટે છેલ્લી ઉડાન ભરી હતી. એરલાઇન કંપનીએ તમામ પેસેન્જરોને ફ્લાઇટ મેસેજ કરી જાણ કરી દેવાઈ છે.