કેપિટલ માર્કેટ નિયામક સેબીએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના (FPIs) રૂટ મારફતે ભારતીયોને સ્ટોક માર્કેટનો ઉપયોગ કરી શકાય તેવો દાવો કરીને રોકાણકારોને છેતરતા ટ્રેડિંગ પ્લેટફોર્મ્સને લઇને રોકાણકારોને ચેતવણી આપી છે. સેબીએ નોંધ્યું છે કે ઠગો વોટ્સએપ, ટેલીગ્રામ, લાઇવ બ્રોડકાસ્ટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ મારફતે ઓઇલાઇન ટ્રેડિંગ કોર્સ, સેમિનાર્સ અને મેન્ટરશિપ પ્રોગ્રામ મારફતે લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યાં છે.
સેબી રજિસ્ટર્ડ FPIsના કર્મચારીઓની ખોટી ઓળખ આપીને તેઓ વ્યક્તિઓને એવી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે જાળમાં ફસાવે છે જે તેમને સત્તાવાર ટ્રેડિંગ અથવા ડીમેટ એકાઉન્ટની જરૂરિયાત વિના કથિત રીતે શેર ખરીદવા, IPOમાં સબસ્ક્રાઇબ કરવા તેમજ સંસ્થાકીય ખાતાનો લાભોનો આનંદ માણવા દે છે. સેબીએ ઉમેર્યું હતું કે આ ઠગો મોટા ભાગે ખોટા નામ હેઠળ નોંધાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને આ પ્રકારની સ્કીમથી લોકોને છેતરે છે.
સેબીને આ પ્રકારના છેતરપિંડીભર્યા ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ અંગેની સંખ્યાબંધ ફરિયાદો મળ્યા બાદ આ સાવચેતીભર્યું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમણે FPIs સાથે જોડાણનો ખોટો દાવો કર્યો હતો અને વિશેષ વિશેષાધિકારો સાથે FPI અથવા સંસ્થાકીય એકાઉન્ટ્સ દ્વારા ટ્રેડિંગની તકો ઓફર કરતો હોવાનો દાવો કર્યો હતો. નિયમ હેઠળ, FPI ઇન્વેસ્ટમેન્ટ રૂટ ભારતીય રહેવાસીઓ માટે ઉપલબ્ધ નથી, જો કે સેબીના FPI નિયમન હેઠળ કેટલાક કેસમાં છૂટ આપવામાં આવે છે.