પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીર(પીઓકે)માં ચોથા દિવસે સમોવારે પણ તણાવભર્યો માહોલ રહ્યો હતો. જમ્મુ-કાશ્મીર સંયુક્ત અવામી એક્શન કમિટી (એએએસી)ના નેતૃત્વ હેઠળ લાખો દેખાવકારોએ રાજધાની મુજફ્ફરાબાદ તરફ લોન્ગ માર્ચ ચાલુ રાખી હતી. લોન્ગ માર્ચમાં સામેલ લોકો મુઝફ્ફરાબાદ શહેરમાં વિધાનસભાનો ઘેરાવ કરશે અને ત્યાં ધરણાં કરશે. રવિવારે સાંજે અર્ધલશ્કરી દળના પાકિસ્તાની રેન્જર્સને પીઓકેના વિવિધ શહેરોમાં તહેનાત કરાયા હતા.
રેન્જર્સને મોકલવા બદલ દેખાવકારો નારાજ થયા હતા અને ઘણી જગ્યાએ રેન્જર્સને માર મારી ભગાડી મૂક્યા હતા. સમગ્ર પીઓકેમાં ચોથા દિવસે પણ ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા બંધ રહી હતી. દેખાવકારોનું કહેવું છે કે પાક સરકાર અહીંના લોકોને આતંકવાદ ગણાવે છે. પીઓકેના લોકોનું કહેવું છે કે તેઓ પાકિસ્તાન સરકારની ભ્રષ્ટ વ્યવસ્થાથી કંટાળી ગયા છે, અમે આઝાદી ઈચ્છીએ છીએ.
પીઓકેના 10 જિલ્લા છે, આ આંદોલન ભિમ્બરથી શરૂ થયું હતું. લોન્ગ માર્ચ મીરપુર, કોટલી, પૂંછ, સુધાનોતી, બાદ જિલ્લામાંથી પસાર થઈને મુજફ્ફરાબાદ પહોંચશે. પીઓકેના તમામ 10 જિલ્લાના લોકોએ વિરોધમાં ભાગ લીધો છે. આંદોલન માટે જોઈન્ટ અવામી એક્શન કમિટી (જેએએસી) નામનું એક સંગઠન પણ બનાવવામાં આવ્યું છે. આંદોલન સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે અમારું આંદોલન શાંતિપૂર્ણ છે, અમે કોઈને નુકસાન પહોંચાડવા માગતા નથી. તેમનું કહેવું છે કે જો એક પણ માગ અધૂરી રહેશે તો અમે પાછળ હટીશું નહીં