સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચવાની અસર દેખાવા લાગી છે. લોકો જુના દાગીનાને જંગી નફામાં વેચી રહ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો અંદાજ છે કે આ વર્ષે સોનાના વેચાણમાં સેકન્ડ હેન્ડ જ્વેલરીનો હિસ્સો વધીને 40% થઈ શકે છે જે સામાન્ય રીતે 25% છે. કાઉન્સિલના જણાવ્યા અનુસાર જો ભાવમાં તેજી ચાલુ રહેશે તો ભારતમાં રિસાયકલ સોનાના વેચાણમાં આ વર્ષે 20%થી વધુનો ઉછાળો જોવા મળી શકે છે.
આ આંક 2019ના 119.5 ટનના રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. ભારતના વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના પ્રાદેશિક સીઇઓ સોમસુંદરમ જણાવ્યું હતું કે, “છેલ્લા 12 મહિનામાં ભારતીય બજારમાં સોનાના ભાવમાં લગભગ 20%નો ઉછાળો જોવા મળ્યો છે. આ વૈશ્વિક સ્તરે કિંમતોમાં બમણાથી વધુ વધારો છે. ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે સોનું મોંઘુ થઈ રહ્યું છે. સોમસુંદરમના જણાવ્યા અનુસાર ખેડૂતો ઘણીવાર સારા પાક પછી સોનું ખરીદે છે અને જરૂર પડ્યે તેને વેચે છે.
ભારતીય ઘરો અને મંદિરોમાં લગભગ 25000 ટન સોનું છે. સોમસુંદરમના જણાવ્યા અનુસાર જો આ વર્ષે ચોમાસું નબળું રહેશે તો વપરાયેલી સોનાની જ્વેલરીના વેચાણમાં વધુ વધારો થઈ શકે છે પરંતુ દેશમાં વરસાદની મોસમ શરૂ થઈ હોવાથી તે કહેવું વહેલું છે. સામાન્ય રીતે વપરાયેલી જ્વેલરી સોનાના વેચાણમાં 25% હિસ્સો ધરાવે છે.