રાજકોટ સહિત રાજ્યભરની RTO કચેરીના ઇન્સ્પેક્ટર સહિતનો ટેક્નિકલ સ્ટાફ પોતાની અલગ અલગ પડતર માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ કરી રહ્યો છે. ત્યારે રાજકોટમાં RTO કચેરીના વડા એટલે કે આસિસ્ટન્ટ રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર સહિત 4 અધિકારીઓ પ્રમોશન વિહોણા છે. આજે RTO ઇન્સ્પેક્ટર સહિત 27 વ્યક્તિઓના ટેક્નિકલ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી બાંધી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં પ્રોહિબિશન પૂર્ણ કરી કાયમી ભરતી કરવા તેમજ માલિયાસણ ચેક પોઇન્ટ પર કન્ટેનર, વજન કાંટા સહિતની સુવિધા ઉભી કરવા તેમજ અધીકારીઓને નનામી અરજીઓ સહિતનાં આધારે નોટિસ આપવાનું બંધ કરવા સહિતની માગ કરાઈ હતી.
દરમિયાન RTO સહાયક મોટર વાહન નિરીક્ષક બી.એ. શિંગાળાએ જણાવ્યુ હતું કે, રાજકોટ RTO કચેરીમાં દરરોજ લાયસન્સ કઢાવવા, ફિટનેસ, એડ્રેસ ચેન્જ, રી-પાસિંગ સહિતની 1 હજારથી વધુ અરજીઓ આવે છે. જે ટેક્નિકલ સ્ટાફ વિના શક્ય નથી. તેમ છતાં ટેક્નિકલ સ્ટાફને પ્રોહિબિશન પીરીયડ પૂર્ણ ન કરવો, નનામી અરજીઓના આધારે તપાસ કરી નોટિસ અને ચાર્જશીટ આપવી, ચેક પોઇન્ટ પર અસુવિધા સહિતનાં પ્રશ્નો છે. ઉપરાંત કાયમી નિમણૂક કરવામાં આવતી નથી. જેને કારણે ટેક્નિકલ સ્ટાફ પર કામનું ભારણ વધતું જાય છે.