વિશ્વભરમાં ભૌગોલિક-રાજકીય તણાવ અને ટ્રેડ પૉલિસીની અનિશ્ચિતતાઓ છતાં વૈશ્વિક વેપારમાં ગ્રોથ યથાવત્ રહેશે. ન્યૂયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસ અને જર્મન લોજિસ્ટિક્સ બ્રાન્ડ ડીએચએલ દ્વારા સંયુક્તપણે પ્રકાશિત ‘ડીએચએલ ટ્રેડ એટલસ 2025’ રિપોર્ટ અનુસાર, ભારતનું આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક વેપારના ગ્રોથમાં 6% યોગદાન રહેશે. વિશ્વભરના 200 દેશો અને ક્ષેત્રોની બિઝનેસ પેટર્નનું વિશ્લેષણ કરાયું છે.
રિપોર્ટ અનુસાર વૈશ્વિક વેપારના વિસ્તરણમાં ભારત ચીન અને અમેરિકા બાદ ત્રીજા ક્રમે હશે. ગ્લોબલ ટ્રેડ ગ્રોથમાં ચીનનું યોગદાન 12% અને અમેરિકાનું 10% રહેવાનું અનુમાન છે. ભારતે અન્ય મોટા અર્થતંત્રની તુલનામાં પોતાના વેપાર ગ્રોથમાં તેજી દર્શાવી છે. આ જ કારણ છે કે વેપારના આકારમાં વધારાના મામલે તે ત્રીજા સ્થાને રહી શકે છે. જ્યારે ટ્રેડ ગ્રોથની ઝડપના મામલે પણ ભારત 32માં સ્થાનથી ઉપર હવે 17માં સ્થાને પહોંચે તેવી આશા છે.
અહેવાલમાં જણાવાયું છે કે ભારતના વેપારમાં ઝડપી વૃદ્ધિ તેની ઝડપી મેક્રો ઇકોનોમિક વૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય વેપારમાં તેની વધતી ભાગીદારી બંનેને દર્શાવે છે. જ્યારે ચીનને ઘણીવાર ભારત કરતાં વધુ વેપારલક્ષી અર્થતંત્ર તરીકે જોવામાં આવે છે.2023 માં GDP અને ચીજવસ્તુઓના વેપારનો ગુણોત્તર ચીનની લગભગ સમાન હતો. માલસામાન અને સેવાઓ બંનેના વેપારને ધ્યાનમાં લેતાં ભારતની વેપારની તીવ્રતા ચીન કરતાં વધુ હતી.