શહેરમાં રહેતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતી યુવતીનો સોશિયલ મીડિયામાં દિલ્હીના શખ્સનો પરિચય થયા બાદ બંને વાતચીત કરતા હતા જેમાં એક વખત યુવતીએ ન્યૂડ કોલ કર્યો હતો જેનું દિલ્હીના શખ્સે રેકોર્ડિંગ કરી લઇ વારંવાર ન્યૂડ કોલ કરવા દબાણ કર્યું હતું. યુવતીએ સંબંધ તોડી નાખતા તે શખ્સે યુવતીના કાકાના ફેસબુક એકાઉન્ટ પર યુવતીના ન્યૂડ ફોટા મોકલ્યા હતા. પોલીસે ગુનો નોંધી તે શખ્સની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
શહેરમાં રહેતી 19 વર્ષની ખુશ્બુ (નામ બદલાવેલ છે) નામની યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચોક્કસ મોબાઇલ નંબરના ધારક દિલ્હીના સચિન યાદવનું નામ આપ્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2019-20માં પોતે મોબાઇલમાં પબજી ગેમ રમતી હતી ત્યારે સામે પબજી રમતા શખ્સની આઇડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતા તેણે સ્વીકારી હતી. બાદમાં બંને ફેસબુક પર ફ્રેન્ડ બન્યા હતા અને મોબાઇલ નંબરની પણ આપલે કરી હતી. ત્યારબાદ બંનેએ વીડિયો કોલ પર વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. એક દિવસ તે શખ્સે ન્યૂડ કોલ કરવાનું કહેતા ખુશ્બુએ ન્યૂડ કોલ કર્યો હતો જે તેની જાણ બહાર તે શખ્સે રેકોર્ડ કરી નાખ્યો હતો.
ત્યારબાદ તે શખ્સ ખુશ્બુને વારંવાર ન્યૂડ કોલ કરવા દબાણ કરતો હોવાથી ખુશ્બુએ તે શખ્સનો મોબાઇલ નંબર બ્લોક કરી નાખ્યો હતો જેથી તે અલગ અલગ નંબર પરથી ફોન કરી ખુશ્બુને સંબંધ રાખવા દબાણ કરતો હતો. ખુશ્બુએ વાતચીત કરવાનું બંધ કરી દઇ સંબંધ તોડી નાખતા તે શખ્સ ઉશ્કેરાયો હતો અને ખુશ્બુના કાકાના ફેસબુક એકાઉન્ટ પર ખુશ્બુના ન્યૂડ ફોટા મોકલી દીધા હતા. ખુશ્બુએ આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં જે નંબર પરથી તે શખ્સ વાતચીત કરતો હતો તે નંબર દિલ્હીના સચિન યાદવ નામના શખ્સનો હોવાનું ખુલ્યું હતું. અંતે આ અંગે ખુશ્બુએ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દીપકભાઇ પંડિતે ગુનો નોંધતા પીઆઇ કે.જે.મકવાણાએ આરોપીની શોધખોળ શરૂ કરી હતી.