સતત એક વર્ષથી અવિરત તેજી દર્શાવતાં રહેલાં મીડ-કેપ અને સ્મોલ-કેપ સેગમેન્ટ્સમાં છેલ્લાં કેટલાંક સત્રોથી તેજી અટકી છે. જેનું કારણ સેબી તરફથી મીડ અને સ્મોલ-કેપ્સને લઈ ઉચ્ચારવામાં આવેલો નિર્દેશ છે. માર્કેટ રેગ્યુલેટરના આ પગલાં પાછળ શેરબજારમાં બીજી અને ત્રીજી હરોળના શેર્સમાં મૂડી પ્રવાહ અટકી શકે છે અથવા ધીમો પડી શકે છે એમ શાહ ઈન્વેસ્ટર્સ હોમના ડિરેક્ટર તન્મય શાહે જણાવ્યું હતું. તેમના મતે સામાન્ય સભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. જેને જોતાં ઈન્વેસ્ટર્સ અને ટ્રેડર્સે તેમનું ધ્યાન લાર્જ-કેપ્સ તરફ જાળવવું જોઈએ.
તાજેતરમાં કેટલીક ફાઈનાન્સ સંબંધી કંપનીઓમાં રેગ્યુલેશનને લઈ આરબીઆઈ તરફથી ત્રુટીઓ દર્શાવવામાં આવી છે. જેમાં જેએમ ફાઈ.માં આઈપીઓ ફાઈનાન્સિંગને લઈ ત્રુટીઓનો જ્યારે IIFL ફાઈ.માં ગોલ્ડ લોનને લઈ ત્રુટીઓનો સાવેશ થાય છે. આરબીઆઈ જેએમ ફાઈ.ને શેર્સ અને ડિબેન્ચર્સ સામે લોન આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે આઈઆઈએફએલ ફાઈનાન્સને નવી ગોલ્ડ લોન્સ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ પેટીએમ ફિનટેક સામે પ્રતિબંધો જાહેર કરાયાં હતાં.
લગભગ સપ્તાહ અગાઉ સેબીએ એમ્ફીને એક પત્રમાં સ્મોલ અને મીડ-કેપ્સને લઈ ચેતવણી ઉચ્ચારી હતી. ત્યાર પછી બજારમાં લાર્જ-કેપ્સ આઉટપર્ફોર્મન્સ દર્શાવતાં જોવા મળ્યાં છે. જ્યારે સ્મોલ- મીડ-કેપ્સ કાઉન્ટર્સમાં ઊંચા મથાળે પોઝીશન હળવી થઈ હોય તેમ જણાય છે એમ જણાવતાં તન્મય શાહ ઉમેરે છે કે સેબીની ટિપ્પણીની બીજી અને ત્રીજી હરોળના દેખાવ પર ટૂંકાથી મધ્યમગાળા માટે અસર જોવા મળી શકે છે. આમ, ટ્રેડર્સે લાર્જ-કેપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.