ઇક્વિટી માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી નિરૂત્સાહી ટ્રેન્ડ ચાલી રહ્યો હોવા છતાં રોકાણકારોનો ઉત્સાહ મ્યુચ્યુઅલ ફંડ્સમાં અકબંધ રહ્યો છે. રોકાણકારો નીચી એનએવી (કિંમત)માં રોકાણને પ્રાધાન્ય આપી લાંબાગાળે વધુ રિટર્નની આશા સાથે રોકાણ જાળવ્યું છે પરિણામે મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટેમેટિક ઇનવેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) દ્વારા રોકાણ સૌ પ્રથમ વખત ડિસેમ્બરમાં 26000 કરોડની સપાટી ક્રોસ કરી ચૂક્યું છે. ડિસેમ્બર 2023માં તે રૂ.17610 કરોડ હતું. જે ગયા મહિને 50.25% વધીને રૂ.26,459 કરોડને આંબી ગયું છે. દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો પણ રેકોર્ડ રૂ.22.50 કરોડ સુધી પહોંચી ગયો હતો. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝની એયુએમ છેલ્લા એક દાયકામાં છ ગણી વધીને 67 લાખ કરોડ ક્રોસ થઇ ચૂકી છે.
ઈક્વિટી સ્કીમ્સમાં ડિસે.માં ચોખ્ખું રોકાણ રૂ.41156 કરોડ રહ્યું હતું. જે વાર્ષિક ધોરણે 142% છે અને નવેમ્બર કરતાં 14.5% વધુ છે. સેક્ટરલ/થિમેટિક સ્કીમ્સમાં સૌથી વધુ રૂ. 15,332 કરોડનું ચોખ્ખું રોકાણ જોવા મળ્યું હતું. બીજી તરફ, ડેટ ફંડમાંથી રૂ.1.27 લાખ કરોડનો નેટ આઉટફ્લો નોંધાયો હતો. જોકે, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ દ્વારા સંચાલિત સંપત્તિ (AUM) નવેમ્બરની સરખામણીમાં રૂ.80,355 કરોડ ઘટીને રૂ. 66.93 લાખ કરોડ થઈ છે. નવેમ્બર 2024માં આ રેકોર્ડ 68.08 લાખ કરોડ રૂપિયા હતો. મ્યુ. ફંડ ઇન્ડ.ની AUM 10 વર્ષમાં 6 ગણાથી વધુ વધી છે. ડિસેમ્બર 2014માં AUM રૂ.10.51 લાખ કરોડ હતી, જે ડિસે. 2024માં 537% વધી છે.