રાજસ્થાનમાં ભીષણ ગરમીનો સમયગાળો શરૂ થઈ ગયો છે. આજે, સોમવારે, 14 જિલ્લાઓમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. રવિવારે બાડમેર-જેસલમેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. છેલ્લા 26 વર્ષમાં બાડમેરમાં એપ્રિલના પહેલા અઠવાડિયામાં આ સૌથી વધુ તાપમાન છે. આગામી થોડા દિવસો સુધી ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી.
મધ્યપ્રદેશમાં પણ સમય પહેલા જ ગરમી શરુ થઈ ગઈ છે. રવિવારે ભોપાલમાં તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આ સિઝનમાં આ સૌથી વધુ છે. રાજ્યના 13 જિલ્લાઓમાં તાપમાન 40 થી 42.2 ડિગ્રી વચ્ચે રહ્યું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે નીમચ, મંદસૌર, ભિંડ, મુરેના, શ્યોપુર અને રતલામમાં લુ ફૂંકવાની શક્યતા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશના મોટાભાગના રાજ્યોમાં 11 દિવસ સુધી ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. 10 એપ્રિલ સુધીમાં રાજસ્થાન અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પાર જઈ શકે છે.
ઉત્તર પ્રદેશમાં, તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની શક્યતા છે અને આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન હીટવેવની શક્યતા છે. દિવસનું તાપમાન સતત 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની ધારણા છે. રાત્રિનું તાપમાન પણ સામાન્ય કરતા વધારે રહી શકે છે.