શુક્રવારે મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં નમાજ પઢી રહેલા 700થી વધુ લોકોનાં મોત થયા હતા. આ ઉપરાંત આમાં 60થી વધુ મસ્જિદ પણ નાશ પામી છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક ચોથા દિવસે વધીને 1700થી વધુ થઈ ગયો છે. મ્યાનમાર સેનાએ સોમવારે આ માહિતી આપી.
લશ્કરી સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 3,400થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે 300થી વધુ લોકો ગુમ છે. ભૂકંપમાં માર્યા ગયેલા 1700થી વધુ લોકોના સત્તાવાર આંકડામાં મસ્જિદોમાં માર્યા ગયેલા લોકોનો સમાવેશ થતો હતો કે કેમ એ હજુ સુધી જાણી શકાયું નથી.
7.7ની તીવ્રતાનો ભૂકંપ મ્યાનમાર અને થાઇલેન્ડમાં 200 વર્ષમાં સૌથી મોટો ભૂકંપ હતો. સીએનએનએ એક ભૂસ્તરશાસ્ત્રીને ટાંકીને કહ્યું હતું કે આ ભૂકંપની અસર 334 પરમાણુ બોમ્બના વિસ્ફોટ જેટલી હતી. મૃત્યુઆંક 10 હજારથી વધુ થઈ શકે છે. આ આશંકા યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.