Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ જિલ્લા પંચાયતમાં તમાકુ, ગુટખા ખાઈને પ્રવેશ કરનારાઓને મનાઈ ફરમાવી દેવામાં આવી છે. સિગરેટ, બીડી પીવા ઉપર અને તમાકુ કે ગુટખા ખાઈને જિલ્લા પંચાયત કચેરીમાં પ્રવેશ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે કરાયેલા ઠરાવને લાગુ કરી દેવાયો છે. આ નિયમનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવનાર છે. આ માટેના બેનરો જિલ્લા પંચાયત કચેરી ખાતેના તમામ ફ્લોર ઉપર લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે હવે આ નિયમનો કડક અમલ થાય છે કે નહીં તે જોવું રહ્યું.


પાનની પીચકારી મારી તો રૂ.500નો દંડ જિલ્લા પંચાયત કચેરીમાં લાગેલા બેનરોમાં સ્પષ્ટ લખ્યું છે કે, આ કચેરીના પરીસરમાં કોઈપણ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મુલાકાતીઓએ બીડી, સિગારેટ સીગાર, ગુટખા, પાન-મસાલા કે અન્ય કોઈપણ રીતે તમાકુનું સેવન કરવું નહીં. જો કોઈ વ્યક્તિ પાન-મસાલા કે અન્ય કોઈપણ રીતે તમાકુનું સેવન કરતા, પીચકારી મારતા કે પોતાની સાથે રાખતા માલુમ પડશે/પકડાશે તો જિલ્લા પંચાયતના તા. 13-10-2025ની ખાસ સામાન્ય સભાના ઠરાવ મુજબ રૂા.500/- (રૂપિયા પાંચસો) દંડને પાત્ર રહેશે. તેમજ જો તે વારંવાર પકડાશે તો ઠરાવના નિયમ મુજબની કાર્યવાહી કરવાની ફરજ પડશે.

આ અંગે પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયતની એકાદ માસ પહેલા ઘેલા સોમનાથ ખાતે ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં તમાકુ ગુટખા જેવા વ્યસનોથી લોકો દૂર થાય તેનાં માટે ઠરાવ કરીને પંચાયત કચેરીમાં આવી વસ્તુઓ ખાવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. જેમાં દંડાત્મક કાર્યવાહી કરવા પણ સૂચન થયા હતા અને તે હવે લાગુ કરવામાં આવ્યા છે. લોકો જો પાન, તમાકુ, ગુટખા ખાઈને પ્રવેશ કરશે તો તેમને દંડ કરવામાં આવશે. વારંવાર આવું કરતા પકડાશે તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.