તમે ખુશ છો? આ પ્રશ્નનો ઉત્તર ઉંમર, વ્યવસાય અને જાતિ જેવાં અનેક પાસાં પર નિર્ભર હોય છે. 36-45 વયજૂથના 74% લોકોએ પોતે ખુશ હોવાનું કહ્યું હતું જ્યારે 18થી ઓછી વયના 44% લોકોના કહેવા પ્રમાણે તેઓ ખુશ નથી. 18-25 વયજૂથના 64%, 26-35 વયજૂથના 62%, 46-60 વયજૂથના 62% અને 60+ વયજૂથના 48% લોકો જ ખુશ છે. હેપીપ્લસે તમામ 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશમાં 14,730 લોકો સરવેમાં આવરી લેવામાં આવ્યા હતા.
પુરુષો કરતાં મહિલાઓ વધુ નિશ્ચિંત અને ખુશી અનુભવે છે. 68% મહિલાઓએ કહ્યું, છેલ્લા થોડા દિવસોથી તેઓ ખુશ રહે છે, કેટલીક વાર હસ્યાં છે. જ્યારે 66% પુરુષોએ જ ખુશ હોવાની વાત સ્વીકારી હતી.
સરકારી નોકરિયાતો કરતાં ખાનગી નોકરી કરનારા લોકો વધુ ચિંતામુક્ત. ખાનગી નોકરીવાળા 72%એ પોતે ખુશ હોવાનું કહ્યું. 71% સરકારી નોકરિયાતો આવું માને છે. બેરોજગાર (56%) અને સ્વરોજગારી કરનારા (61%) સૌથી વધુ હેરાન છે.
દેશનાં 20 મોટાં રાજ્યમાં ખુશીના માપદંડોની દૃષ્ટિએ કેરળ પહેલા અને હિમાચલ બીજા ક્રમે છે. જ્યારે ઝારખંડ 20મા અને યુપી 19મા સ્થાન સાથે સૌથી પછાત છે. આ યાદીમાં પંજાબ ચોથા, મહારાષ્ટ્ર 8મા, છત્તીસગઢ 12મા, હરિયાણા 11મા, રાજસ્થાન 13મા, એમપી 14મા, ગુજરાત 16મા અને બિહાર 18મા ક્રમે છે. જોકે દિવસમાં સૌથી વધુ હસવા-સ્મિત કરવામાં રાજસ્થાન 0.71 સ્કોર સાથે એમપી (0.70) કરતાં આગળ છે. સૌથી વધુ વાર ગુસ્સો કરવામાં ઝારખંડ (0.81) સાથે ટોચ પર છે. યાદીમાં યુપી (0.79) બીજા અને ગુજરાત (0.74) ત્રીજા ક્રમે છે.