દેશમાં ડેટા સેન્ટર્સની સતત વધતી માંગ અને ડેટા વપરાશમાં વૃદ્વિના પરિણામે વર્ષ 2020થી ડેટા સેન્ટર્સ માટે 10 અબજ ડોલરનું રોકાણ નોંધાયું છે. પ્રોપર્ટી કન્સલટંટ કોલાયર્સ ઇન્ડિયાના ‘ડેટા સેન્ટર: સ્કેલિંગ અપ ઇન ગ્રીન એજ’ અનુસાર દેશનો ડેટા સેન્ટર સ્ટોક અત્યારની 10.3 મિલિયન સ્ક્વેર ફૂટની ક્ષમતાથી બમણો વધીને વર્ષ 2025 સુધીમાં 20 મિલિયન સ્ક્વેર ફૂટ પર પહોંચશે તેવો અંદાજ છે.
ભારતમાં અત્યારે ટોચના સાત શહેર મુંબઇ, દિલ્હી-NCR, બેંગ્લુરુ, ચેન્નાઇ, હૈદરાબાદ, પુણે અને કોલકાતામાં 770 MW ક્ષમતા સાથેના ડેટા સેન્ટર્સ છે. છેલ્લા બે વર્ષમાં આધુનિકીકરણને કારણે ડેટા વપરાશમાં વધારો, ક્લાઉડના વધતા ઉપયોગને કારણે પણ ડેટા સેન્ટર્સનો ગ્રોથ શક્ય બન્યો છે. તદુપરાંત, ડેટા સેન્ટર ઓપરેટર્સ સબસિડીની જમીન, સ્ટેમ્પ ડ્યૂટીમાંથી મુક્તિ જેવા ઇન્સેન્ટિવને કારણે પણ ડેટા સેન્ટર ઓપરેટર્સ ઉત્સાહી જણાઇ રહ્યાં છે.
મુંબઇ ડેટા સેન્ટર્સની દૃષ્ટિએ સૌથી વધુ 49 ટકા હિસ્સો ધરાવે છે. સબમરિન કેબલ કનેક્ટિવિટીને કારણે મુંબઇને ફાયદો મળી રહ્યો છે. દિલ્હી-NCR કુલ ડેટા સેન્ટર ક્ષમતાનો 17 ટકા હિસ્સો ધરાવે છે અને ત્યારબાદ યાદીમાં બેંગ્લુરુ સામેલ છે. વર્ષ 2020થી ડેટા સેન્ટર્સમાં 10 અબજ ડોલરનું રોકાણ જોવા મળ્યું છે તેમજ ડેવલપર્સ અને વૈશ્વિક ઓપરેટર્સ વચ્ચે પાર્ટનરશિપ વધી રહી છે. ભારતમાં વિસ્તરણ કરવા માંગતા વૈશ્વિક ડેટા સેન્ટર ઓપરેટર્સ રોકાણ કરી રહ્યા છે.