ગ્લોબલ એરલાઇન ઇન્ડસ્ટ્રીમાં કોવિડ મહામારીની ઉથલ પાથલ બાદ 2023માં મજબૂત રિકવરી જોવા મળી હતી. ત્રણ વર્ષના ભારે નુકસાન બાદ છેવટે એરલાઇન્સ કંપનીઓએ નફો કર્યો હતો, પરંતુ તે ઊંટના મોંમાં જીરા સમાન છે.
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને (IATA) કહ્યું કે વિશ્વભરની એરલાઇન ઇન્ડસ્ટ્રીને 2023માં કુલ 23.3 અબજ ડૉલર (અંદાજે 1.94 લાખ કરોડ રૂપિયા)નો નફો થઇ શકે છે. તેનાથી વિપરિત ગત વર્ષે ઇન્ડસ્ટ્રીને અનુમાનથી વધુ 3.8 અબજ ડૉલર (અંદાજે 31,662 કરોડ રૂપિયા)નું નુકસાન થયું હતું. ડિસેમ્બર 2022માં એસોસિએશનને 2023થી વધુ આશા ન હતી. પરંતુ ત્યારે પણ તેમનું કહેવું હતું કે એરલાઇન ઇન્ડસ્ટ્રીનો કુલ નફો નામમાત્રનો હશે.
IATAએ 4.7 અબજ ડૉલર (અંદાજે 39,161 કરોડ રૂપિયા) ના નફાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. એસોસિએશનના ડિરેક્ટર જનરલ વિલી વૉલ્શે એક નિવેદન જાહેર કરીને મુશ્કેલીથી બહાર નીકળવામાં ઇન્ડસ્ટ્રીની ક્ષમતાની સરાહના કરી હતી અને કહ્યું હતું કે મહામારીને કારણે અંદાજે ચાર વર્ષ આ ઉદ્યોગના ગ્રોથને ભારે નુકસાન થયું છે, પરિણામે 2023નો નફો પ્રમાણમાં ખૂબ જ ઓછો છે. વૉલ્શે કહ્યું કે “આ નફાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવાની જરૂરિયાત છે. રિકવરી તો ખૂબ પ્રભાવશાળી છે, પરંતુ માત્ર 2.7% નેટ પ્રોફિટ માર્જિન કોઇપણ ઇન્ડસ્ટ્રીના રોકાણકારોની અપેક્ષા કરતા ખૂબ ઓછું છે. તેમણે એક ઉદાહરણથી સમજાવવાનો પ્રયાસ કર્યો. વૉલ્શે જણાવ્યું કે ગત વર્ષે એરલાઇન્સે દર મુસાફર પર સરેરાશ માત્ર $5.45 બચાવ્યા હતા. તેનાથી તમે લંડનના સ્ટારબક્સમાં એક મોટી કોફી ખરીદી શકો છો. છેલ્લા ચાર વર્ષમાં જે ખોટ સહન કરી છે તેની સામે આ નફો અપૂરતો છે.