બેંક ઓફ જાપાને 17 વર્ષ બાદ નેગેટીવ વ્યાજ દરમાંથી પોઝિટીવ રેટની નીતિ અપનાવતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી બાદ યુ.એસ. ફેડરલ રિઝર્વની બે દિવસીય મીટિંગમાં ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ અંતે સ્ટીકી ફુગાવા છતાં વર્ષ 2024માં ત્રણ દરમાં કાપની અપેક્ષા સાથે સતત પાંચમી બેઠકમાં બેન્ચમાર્ક વ્યાજ દરો યથાવત રાખતા વૈશ્વિક બજારોમાં અમેરિકી શેરબજારમાં મજબૂતી પાછળ આજે ભારતીય શેરબજારમાં પણ મજબૂતી રહી હતી.
સ્થાનિક સ્તરે માર્ચ એન્ડિંગ નજીક હોઈ ફંડોએ ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, મારુતિ સુઝુકી અને એશિયન પેઇન્ટ શેરોમાં વેચવાલી સામે લાર્સેન લિ., એનટીપીસી લિ., આઈટીસી લિ., તેમજ ફ્રન્ટલાઈન હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, ટાટા સ્ટીલ સાથે બેન્કીંગ શેરોમાં એચડીએફસી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડસઇન્ડ બેન્કની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં સેન્સેક્સ, નિફટી આરંભિક બે તરફી અફડાતફડી બાદ પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ એનર્જી, ઓટો, ઓઈલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ફાઈનાન્શિયલ સર્વિસીસ શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ 539 પોઈન્ટના ઉછાળા સાથે 72641 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 208 પોઈન્ટના ઉછાળા સાથે 22118 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 355 પોઈન્ટના ઉછાળા સાથે 46805 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.