પોલીસ તંત્રની સ્ટેટ મોનિટરિંગ સેલ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દારૂ-જુગારના દરોડાની કાર્યવાહી કરતી હોવાને કારણે બેદરકારી દાખવનાર સ્થાનિક પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ સામે આકરા પગલાં લેવાઇ રહ્યાં છે. તેવા સમયે એસએમસી કોઇ કાર્યવાહી કરે તે પહેલાં જ સ્થાનિક પોલીસ સજાગ બની એક પછી એક દારૂ-જુગારના દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી રહી છે. ત્યારે એલર્ટ થઇ ગયેલી રાજકોટ જિલ્લા પોલીસે સતત ત્રીજા દિવસે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.
પડધરી ગામે આવેલી પારસ સોસાયટીમાં પળધેશ્વર મહાદેવ મંદિર નજીકના ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂનું કટિંગ થઇ રહ્યું હોવાની જિલ્લા પોલીસની ગુનાશોધક શાખાને માહિતી મળી હતી. જેના આધારે પીઆઇ વી.વી.ઓડેદરા સહિતની ટીમ તુરંત માહિતી મુજબના સ્થળે દોડી ગઇ હતી.